બાલાસિનોર રોગચાળાના ભરડામાં, 15 દિવસમાં 40 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા - ડેન્ગયુનો કહેર
મહીસાગર: જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર યથાવત છે. છેલ્લા 15 દિવસથી જિલ્લામાં આવેલ તમામ તાલુકા વિસ્તારોમાં ખાસ બાલાસિનોર તાલુકામાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો નોંધાયો છે. જિલ્લામાં સત્તાવાર 25 કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાયા છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં જિલ્લામાં બિન સત્તાવાર ડેન્ગયુ કેસ વધારે જોવા મળી રહ્યા છે. જિલ્લામાં સૌથી વધારે ડેન્ગ્યુના 11 કેસ બાલાસિનોરમાં સતાવાર નોંધાયા છે. બાલાસિનોરની KMG હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં ડેન્ગ્યુના 40 જેટલા કેસ નોંધાયા છે. જેને લઇને લોકોમાં ફાફડાટ વ્યાપ્યો છે. આ બાબતે આરોગ્ય તંત્ર દ્વારા ફોગિંગ અને દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો, પરંતુ ડેન્ગ્યુ કાબુમાં ન આવતા કેસોની સંખ્યામાં એક પછી એક વધારો થયો છે. બાલાસિનોરમાં મેલેરિયા, વાયરલ ફીવર, ઉદરસ જેવા રોગોના દર્દીઓથી બાલાસિનોરની KMG હોસ્પિટલમાં દર્દીઓ દાખલ છે. આ દર્દીઓમાં ડેન્ગ્યુના 20 જેટલા દર્દીઓ KMG હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઉપરાંત છેલ્લા પંદર દિવસમાં ડેન્ગ્યુના 20 જેટલા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.