સફાઇ કામદારોને પગાર ન થતાંં કલેકટરને આવેદનપત્ર આપ્યુંં
અરવલ્લીઃ જિલ્લામાં સફાઇકામદારોનો પગાર છેલ્લા આઠ મહિનાથી ટલ્લે ચઢતા, તમામ સફાઈ કર્મચારીઓ માટે તહેવારના સમયે કપરી પરિસ્થિતિ સર્જાઇ છે. મામલતદાર કચેરીઓમાં કામ કરતાં સફાઇ કામદારોને છેલ્લા આઠ મહિનાથી પગાર ન મળતા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. ધનસુરા, માલપુર, બાયડ, અને ભિલોડા તાલુકા મામલતદાર કચેરીઓની સાફ-સફાઇ કરતા કર્મચારીઓની દિવાળી બગડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આવેદન પત્ર મુજબ આ તમામ તાલુકાઓમાં સફાઇ કામદારોને છેલ્લા આઠ મહિનાથી પગાર મળ્યો નથી. જે મામલે તમામ કર્મચારીઓના પરિવારની હાલત કપરી છે. ગુજરાત વાલ્મીકિ સંગઠનના પ્રમુખ લાલજી ભગતના જણાવ્યા મુજબ, જિલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમાં અંદાજે બસો જેટલા સફાઇ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ કર્મચારીઓને છેલ્લા 8 મહિનાનો પગાર મળ્યો નથી.