પોરબંદરમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિ મેળો યોજાયો
પોરબંદરઃ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ હેઠળ ખેડૂત તાલીમ કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો 2020 અંતર્ગત પાક પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં પોરબંદર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ કૃષિમેળામાં વૈજ્ઞાનિકો દ્વારા જિલ્લાના મુખ્ય પાકો સંદર્ભે ખેડૂતો દ્વારા રજૂ કરેલા પ્રશ્નોનું નિરાકરણ કરવાની સાથે પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે આવેલી નવીન ટેક્નોલોજીનો ઉપયોગથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા ફળ અને શાકભાજી પ્રદર્શન તથા હરીફાઈ યોજાઇ હતી. જેમાં વિજેતા ખેડૂતોને મહેમાનોએ પ્રમાણપત્ર પાઠવીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ICDS જિલ્લા ખેતીવાડી શાખા વનવિભાગ પશુપાલન શાખા મદદનીશ મત્સ્યોધ્યોગ કચેરી દ્વારા અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી ખેડૂતોને મળી રહે તે માટે ૧૫ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.