નડિયાદમાં વરસાદના 24 કલાક બાદ પણ વિવિધ વિસ્તારો હજી પાણીમાં ગરકાવ
ખેડાઃ જિલ્લાના નડિયાદ શહેરમાં શનિવારે સાંજે બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ થયો હતો. જેને પગલે સમગ્ર શહેર પાણી પાણી થઇ ગયું હતું. શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેમજ રોડ પર વરસાદના પાણી ભરાઈ ગયા હતા. મોડી રાતના વરસાદ બાદ રવિવારે સવારથી થોડા થોડા સમયે સામાન્ય ઝરમર વરસાદ થયો હતો. જો કે શહેરમાં પાણી ભરાયાને ચોવીસ કલાક થવા આવ્યા હોવા છતાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયેલું જ છે. પાણીનો નિકાલ થઇ શક્યો નથી. જેને લઇ શહેરમાં જનજીવન ખોરવાયું છે. લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેરમાં નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. મહત્વનું છે કે નડિયાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની જૂની સમસ્યા છે. શહેરમાં ચોમાસુ શરૂ થતા જ લોકો ત્રાહિમામ પોકારી જાય છે. જેને લઇ વરસાદી પાણીના નિકાલની વિવિધ કામગીરી અનેક વખત કરવામાં આવી છે. પરંતુ સમસ્યા જેમની તેમ જ રહેવા પામી છે.