બાલાસિનોરમાં કોરોનાના કેસ વધતા તંત્ર સફાળું જાગ્યું, શાકભાજીની હાથ લારીઓ બંધ - મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી
મહીસાગરઃ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાના સંક્રમણ માટે સુપર સ્પ્રેડર બની શકે તેવા શાકભાજી વેચાણ સ્થળો પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક અંકુશ મૂકવાનું શરૂ કરાયું છે. જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં કોરોના ઝડપી પ્રસરી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા શાકભાજીની લારીઓ પર આરોગ્ય વિભાગ, નગર પાલિકાની ટીમ સાથે બાલાસિનોર નગરના રાજપુરી દરવાજા પાસે શાકભાજી વેચતા લારીઓ વાળા સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. નગરમાં શાકભાજી વેંચતી લારીઓ બંધ કરાવી છે અને આરોગ્ય વિભાગ દ્વારા 7 વેપારીઓના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલના જણાવ્યા મુજબ શાકભાજીનો ધંધો કરતા સોશિયલ ડિસ્ટનસ જાળવાતું ન હોવાથી તંત્રએ લાલ આંખ કરી હતી. મળતી માહિતી અનુસાર શાકભાજીની હાથ લારીવાળાઓના વેપારીઓના લેવામાં આવેલા 7 સેમ્પલ નેગેટિવ આવ્યા છે.