રથયાત્રા મામલે અમારી સાથે રમત રમાઈ ગઈ, જગન્નાથ મંદિરના મહંતનું વિસ્ફોટક નિવેદન
અમદાવાદઃ કોરોના મહામારીને કારણે આ વર્ષે જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવી ન હતી. હાઈકોર્ટના આદેશ પહેલા સરકાર અને મંદિરના ટ્રસ્ટીઓ તેમજ મંહતો દ્વારા સતત પ્રયાસો ચાલુ હતા. જોકે, હાઈકોર્ટે રથયાત્રાની મંજૂરી આપી ન હતી. જેને પગલે રથ માત્ર મંદિર પરિસરમાં ફેરવવાનો નિર્ણય લેવાયો હતો. રથયાત્રા મામલે છેક સુધી રાજ્ય સરકારના પ્રતિનિધી અને મંદિરના મહંત સાથે ચર્ચાઓ ચાલુ રહી હતી. એક તબક્કે રથયાત્રા યોજવા માટે મંદિર સત્તાવાળાઓ તૈયાર થઈ ગયા હતા પરંતુ હાઈકોર્ટના આદેશને આગળ ધરીને યાત્રા ન યોજવાનું વલણ સરકારે અપનાવ્યું હતું. હવે રથયાત્રાના બીજા જ દિવસે જગન્નાથ મંદિરના મંહતનું ચોકાંવનારૂ નિવેદન સામે આવતા રથયાત્રા મામલે સરકાર અને મંદિર વચ્ચે એક મત ન હોવાનું બહાર આવ્યું છે. આજે મહંત દિલીપદાસજીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અમારી સાથે રમત રમાઈ ગઈ... મે જેમના પર ભરોસો રાખ્યો હતો એ ખોટો પડ્યો. તેમનું આ નિવેદન સરકારના ચોક્કસ વ્યક્તિઓ સામે નિર્દેશ કરી રહ્યું છે. મંહત શ્રી ના આ નિવેદનથી સમગ્ર રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે ભક્તગણોમાં રથયાત્રા મામલાને લઈને રાજ્ય સરકાર અને મંદિર સત્તાવાળાઓ આમને સામને હોવાનું ચર્ચાઈ રહ્યું છે.