વડોદરાના વ્રજસિધ્ધિ કોમ્પ્લેક્સના વીજ મીટરોમાં આગ લાગતાં અફરાતફરી - વડોદરા વ્રજસિધ્ધિ કોમ્પ્લેક્સમાં આગ
વડોદરા: શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર આવેલ વ્રજસિધ્ધિ કોમ્પ્લેક્સના વીજ મીટરોમાં અચાનક આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો અને વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જોકે, એકાએક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા કોમ્પ્લેક્સમાં હાજર લોકોના જીવ તાળવે બંધાયા હતા. બીજી તરફ સમગ્ર કોમ્પ્લેક્સનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને લઈ કોમ્પ્લેક્સ બહાર લોકટોળાં ઉમટી પડ્યા હતા. સત્વરે ફાયરબ્રિગેડની ટીમ અને વીજ કંપનીના કર્મીઓએ આગ ઉપર કાબુ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આગની ઘટનામાં જાનહાની ટળી હતી, તેમજ કોઈ નુકસાન નહીં થયું હોવાની માહિતી મળી હતી.