મહીસાગર: કડાણા ડેમમાં પાણીની આવક થતા મહી નદીમાં 66,761 ક્યુસેક પાણી છોડાયું - કડાણા ડેમની જળસપાટી વધી
મહીસાગર: જિલ્લાના કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની જળ સપાટી વધી ગઇ હતી. જેથી કડાણા ડેમના 4 ગેટ 6 ફૂટ તેમજ 1 ગેટ 3 ફૂટ ખોલી કુલ 5 ગેટ મારફતે 45,486 ક્યુસેક પાણી તેમજ 60 મેગાવોટના 4 પાવર હાઉસ કાર્યરત કરી 20,000 ક્યુસેક પાણી થઈ કુલ 65 હજાર 486 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમજ સુજલામ સુફલામ કેનાલ મારફતે 1,000 ક્યુસેક પાણી અને KLBC કેનાલમાં 275 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ જેટલી પાણીની આવક છે તેટલી જ પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પાણીની આવકને કારણે 60 મેગાવોટના ચાર હાઇડ્રો યુનિટ કાર્યરત થતા લાખ્ખો રુપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. હાલ ડેમનું જળ સ્તર 418.7 ફૂટ છે જે સપ્ટેમ્બરના રુલ લેવલ 418.3 કરતા 4 ઇંચ વધારે અને ડેમની ભયજનક સપાટી 419 ફૂટ કરતા 5 ઇંચ ઓછુ છે. ડેમ સંપૂર્ણ ભરાતા આગામી સમયમાં મહીસાગર સહિત ગુજરાતના વિવિધ 8 જિલ્લાઓને સિંચાઈ તેમજ પીવા માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.