સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા
નર્મદાઃ સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલા ઇન્દીરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી આશરે 5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પાણી સરદાર સરોવરમાં દાખલ થતાં શનિવારે સવારે 8-00 કલાકે સરદાર સરોવર ડેમની સપાટી 131.28 મિટર જેટલી નોંધાઈ હતી. આ સમયે સરદાર સરોવર ડેમના 15 દરવાજા 3.13 મિટર જેટલા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે ભરૂચ તરફ 2,68,808 ક્યુસેક જેટલું પાણી વહી રહ્યું હતું. આ સમયે ડેમમાં 7,216 મિલિયન ક્યુસેક મીટર પાણીનો ગ્રોસ સ્ટોરેજ થયો હતો. આ ઉપરાંત શનિવારે સવારે 11-00 કલાકે ડેમના 23 દરવાજા 2.85 મિટર જેટલા ખોલવામાં આવ્યા હતા. આ સમયે 4.10 લાખ ક્યુસેક જેટલો પાણીનો ફ્લો ભરૂચ તરફ વહી રહ્યો હતો. આ અંગે નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, શનિવારે સાંજે 4-00 કલાકે નર્મદા ડેમની સપાટી 131.15 મિટર નોંધાઇ હતી. આ સાથે જ હાલ ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી આશરે 5 લાખથી 8 લાખ ક્યુસેક પાણી સરદાર સરોવરમાં આવવાની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને ડેમના દરવાજા હજૂ 2.85 મિટરથી વધારે ઉંચા ખોલવામાં આવશે.