ભરૂચ નજીક રેલ્વે અકસ્માતના બે બનાવ, 2ના મોત - રેલ્વે અકસ્માત
ભરૂચઃ શહેર નજીક રેલ્વેમાં શુક્રવારે અકસ્માતના બે અલગ અલગ બનાવ બન્યા હતા. જેમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. પ્રથમ બનાવ નબીપુર અને ચાવજ રેલવે સ્ટેશન નજીક બન્યો હતો. જેમાં 45 વર્ષીય અજાણ્યો વ્યક્તિ ચાલુ ટ્રેને પડી જતા ગંભીર ઈજાના પગલે તેનું મોત નિપજ્યું હતું. રેલવે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવ ભરૂચ રેલવે સ્ટેશન નજીક નર્મદા નદી પર આવેલા સિલ્વર બ્રીજ પાસે બન્યા હતો. જેમાં રેલવે ટ્રેક પરથી 50 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા જ રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં ભરૂચ નજીક રેલ્વે અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. જેમાં ત્રણ બનાવ ભરૂચમાં નોંધાયા છે, જ્યારે એક બનાવ અંકલેશ્વરમાં નોંધાયો છે.