ભરવરસાદમાં આંબાતલાટ ગામે કરવી પડે છે અંતિમ વિધિ, સ્મશાનભૂમિનું પાકું બાંધકામ ક્યારે મળશે? - MLA Arvind Patel
વલસાડ : વલસાડના ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામે સ્મશાનભૂમિનું પાકું મકાન નથી. જેના પગલે ચોમાસામાં ભારે હાલાકી ભોગવતાં ગામમાં કોઇ મરણ થાય તો લોકોને નદીના કિનારે વરસતા વરસાદમાં અંતિમવિધિ કરવાની ફરજ પડે છે. ગામમાં એક આધેડનું બીમારીથી મોત નીપજ્નેયું ત્યારે તેમના પરિવારજનોને વરસતા વરસાદમાં અંતિમ વિધિ કરવી પડી છે. એવું નથી કે સ્મશાનભૂમિનું પાકુ મકાન બનાવવા રજૂઆતો નથી થતી. અનેક સ્થળે લાગતાવળતા સત્તાધીશોને રજૂઆતો છતાં સમસ્યાનો નીવેડો નથી આવતો. લોકોની માગણી છે કે નદીકિનારે સ્મશાનભૂમિનું પાકુ બાંધકામ બનાવવામાં આવે. મરણ જનારના પરિવારને મૃતકના આત્માની શાંતિ માટે કરવામાં આવતી અંતિમ વિધિમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે.
સ્મશાન બનાવવા માટે મળતું ફંડ ઓછું પડે છે : સમગ્ર બાબતે જયારે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે આંબાતલાટ ગામની સ્મશાનભૂમિની સમસ્યા વર્ષો જૂની છે. સ્મશાનભૂમિનું પાકુ મકાન બનાવવા રજૂઆતો આવી છે પરંતુ સ્મશાનભૂમિના પાકા મકાન માટે જે ફંડ આવે છે તે મર્યાદિત માત્રામાં હોય છે અને તે ત્યાં બનાવવા માટે પુરતું નથી જેના કારણે કામગીરી અટકી છે. જોકે આ સમસ્યા દૂર કરવા ઉચ્ચસ્તરે રજૂઆત કરી ફંડ મળે તે માટે કામગીરી કરવામાં આવી છે. ત્યારે પાકું બાંધકામ ન મળે ત્યાં સુધીમાં આ વર્ષે પણ ચોમાસાના ચાર મહિના ગામના લોકોએ સદગતની શાંતિ માટે અગવડભરી રીતે અંતિમવિધિ પૂરી કરવી પડશે.