Surat Rain: ઓલપાડ તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા સાથે ઠંડી પણ વધી - સુરત ન્યૂઝ
Published : Jan 11, 2024, 11:06 AM IST
સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકાના અલગ-અલગ ગામડાઓ ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લઈને ખેડૂતો તેમજ ઈંટો ઉદ્યોગ સાથે સંકળયેલા લોકો પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા. આ ઉપરાંત કમોસમી વરસાદે ઠંડીમાં પણ વધારો કર્યો હતો. હવામાન વિભાગે સુરત જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદ વરસશે તેવી આગાહી કરી હતી. જે અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ, સ્યાદલા, મુલદ સહિતના ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લઈને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. થોડીવારમાં તો રસ્તાઓ પર પાણી ભરાય ગયાં હતા જ્યારે કમોસમી વરસાદે ઠંડીમાં પણ વધારો કર્યો છે. બીજી તરફ આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી છે. જો વધુ કમોસમી વરસાદ વરસશે તો શાકભાજી, કપાસ સહિતના પાકને નુકશાન થશે અને શેરડીનું કટીંગ પણ અટકી જશે. આ ઉપરાંત ઈંટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની પણ ચિંતા વધી ગઈ છે.