Tribal Community Padyatra : સરકારી હોસ્પિટલના ખાનગીકરણ સહિતના વિવિધ પ્રશ્નોના વિરોધમાં આદિવાસી સમુદાયની પદયાત્રા - આદિવાસી જાહેર સભાનું આયોજન
Published : Sep 8, 2023, 4:07 PM IST
તાપી :જિલ્લાની વ્યારા રેફરલ હોસ્પિટલના ખાનગીકરણ સહિતના વિવિધ પ્રશ્નોના વિરોધમાં આજે 150 કિમી દૂર જિલ્લાના છેવાડાના કુકરમુંડાના ઉદમગડીથી આદિવાસી સમુદાયની પદયાત્રા નીકળી હતી. જે આગામી 13 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિતે જિલ્લા મથક વ્યારા ખાતે પહોંચી કલેકટર કચેરી પર જાહેર સભામાં ફેરવાશે.
આદિવાસી સમુદાયની પદયાત્રા : આ પદયાત્રા અંગે સામાજિક આગેવાન યુસુફ ગામીતે જણાવ્યું હતું કે, વ્યારામાં આવેલ સરકારી રેફરલ હોસ્પિટલનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. તેને લઈ સરકાર સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દે તેવી માંગ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે અન્ય પાંચ જેટલા મુદ્દા સાથે કલેક્ટરમાં આવેદન આપવામાં આવશે. જેમાં સરકારી હોસ્પિટલ, જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવનાર છે જેમાં કાયમી ભરતી કરવામાં આવે, નેશનલ હાઇવે 56 માં જમીન સંપાદન થનાર છે તેમાં એક પણ આદિવાસી પોતાની જમીન આપવા માંગતા નથી. આ વિવિધ મુદ્દાઓ સાથે 13 સપ્ટેમ્બરના રોજ કલેક્ટર કચેરીની સામે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવશે.