'નલ સે જલ' યોજના ખાલી નામની ? દ્વારકાના સલાયા ગામના લોકોને અત્યારથી જ પીવાના પાણીના ફાંફા
Published : Nov 28, 2023, 11:54 AM IST
દ્વારકા: સલાયા બંદરના લોકોને ભર શિયાળે પીવાના પાણી માટે હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા ભલે ઘર ઘર નળ અને નલ સે જલ જેવા પ્રજા લક્ષી અભિયાનના દાવા કરાતા હોય, પરંતુ 45 હજાર જેટલી વસ્તી ધરાવાતા સલાયા ગામ માટે આ અભિયાનો માત્ર નામના બની રહ્યાં છે. હજુ તો ઉનાળો બહુ દૂર છે, ત્યાં જ સલાયામાં પાણીની સમસ્યા સર્જાતા લોકો પરેશાન થઈ ગયાં છે. સલાયા નગર પાલિકા તંત્ર જાણે પ્રજાને પીવાનું પાણી આપવામાં આળસ કરી રહી હોઈ તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સલાયા નગર પાલિકા દ્વારા હાલ 15 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રજાને પીવાના પાણીથી લઈને ઘર વપરાશના પાણી માટે ખુબજ હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થિતિ એવી ઉભી થઈ છે કે, મહિલાઓને પાણી ભરવા માટે દૂર-દૂર ભટકવાનો વારો આવ્યો છે. દરિયાઈ વિસ્તાર હોવાથી સલાયામાં બોર અને કૂવામાં પણ ખારું પાણી આવતું હોય છે તેથી પ્રજાને ફકત અને ફકત નગર પાલિકાના પાણી ઉપર આધાર રાખવો પડે છે. જોકે, આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ સ્વીકાર્યું હતું કે, સલાયામાં આઠથી નવ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. અને આ મામલે સ્ટોરેજ સોર્શની તકલીફ હોવાનું અને તેના માટે અંડર ગ્રાઉન્ડ સંભ બનાવવાની કામગીરી પ્રગતિમાં હોવાનું તેમજ ટૂંક સમયમાં પાણીનો પ્રશ્ન હલ થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું.