Junagadh news: ગઢવી સમાજના સમુહ લગ્નમાં આયોજિત લોક ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ - folk diara organized in the group wedding
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રાજપરા ગામમાં પ્રથમ વખત ગઢવી સમાજના સમુહ લગ્નનું આયોજન કરાયું હતું. સ્થાનિક લોક કલાકાર રાજભા ગઢવી અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે રાત્રિના સમયે આયોજિત થયેલા લોક ડાયરામાં કલાકારો પર રૂપિયાનો વરસાદ થતો જોવા મળ્યો હતો.
ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ:વિસાવદર તાલુકાના રાજપરા ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે લોક કલાકારો દ્વારા ડાયરાનું આયોજન કરાયું હતું. રાજભા ગઢવી સહિત રાજ્યના ખ્યાતના લોક સાહિત્યકારો અને કલાકારોએ ડાયરામાં લોક કલાની રમઝટ બોલાવી હતી. કલાકારો પર રૂપિયાનો વરસાદ થયો હતો. ઉલ્લેખનીય છે કે રાજપરા ગામમાં પ્રથમ વખત ચારણ સમાજના સમુહ લગ્નનું આયોજન થયું હતું જેમાં ગઈકાલે સ્થાનિક કલાકારોને સ્ટેજ મળી શકે તે માટે ડાયરાનું આયોજન પણ કરાયું હતું.
રાજભા ગઢવી ડાયરાના આયોજનને લઈને આપી પ્રતિક્રિયા:લોક સાહિત્યકાર અને રાજ્યના ખ્યાતનામ કલાકાર રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની લોક કલા અને જીવન સાથે ડાયરો આજે પણ સંકળાયેલો છે તે સાહિત્યને સાચવવા અને તેને આગળ વધારવા માટે એક પ્રેરણા બળ મળે છે. સૌરાષ્ટ્રની વર્ષો જૂની પરંપરા મુજબ કોઈ પણ સત્કાર્યો કે ધાર્મિક કાર્યને પૂર્ણ કરવા માટે જરૂર પડતા આર્થિક સહયોગ પ્રાપ્ત કરવા માટે વર્ષોથી ડાયરાનું આયોજન થતું આવ્યું છે.
રૂપિયાનો સત્કર્મમાં ઉપયોગ: દાયરામાં એકત્ર થયેલી રકમ સત્કાર્ય કે લોક ઉપયોગી સમાજ હિતના કામોમાં ઉપયોગ થઈ શકે તે માટે ડાયરાનું આયોજન થતું હોય છે. તેમાં લોકો પોતાની શક્તિ મુજબ આર્થિક સહયોગ આપીને સામાજિક ધાર્મિક કે લોક ઉપયોગી કામને પરિપૂર્ણ કરતા હોય છે તેવી આ પરંપરા એટલે ડાયરો અને તેમાં લોકો પરંપરાને જાળવતા અને તેને આગળ ધપાવવા માટે પોતાના આર્થિક સહયોગ દ્વારા સામાજિક કાર્ય પૂર્ણ થાય તે માટેની જવાબદારી નિભાવતા જોવા મળ્યા હતા.