જામનગરમાં અંડર-14 ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમાઈ, કચ્છ અને જામનગર વચ્ચે યોજાયો મુકાબલો - જામનગર ન્યૂઝ
Published : Dec 4, 2023, 8:45 AM IST
જામનગર: જામનગરના ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રવિવારથી અન્ડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગર ડિસ્ટ્રિક્ટ એસોસિએશનની ટીમ અને કચ્છની ટીમ વચ્ચે મેચ પ્રથમ મેચ રમાઈ હતી. BCCI દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટમાં ઊભરતા ખેલાડીઓને તક આપવામાં આવે છે, અને અંડર-14માં બેસ્ટ પર્ફોમન્સ કરનાર ખેલાડીઓને અંડર-૧૫ અને અંડર-16માં સ્થાન આપવામાં આવે છે. રવિવારે સવારે અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવ વાગ્યે આ મેચ શરૂ થઈ હતી, જેમાં કચ્છની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રસંગે જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તેમજ સભ્યો અને કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ સહિત રાજકીય-સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મહત્વપૂર્ણ છે કે, જામનગરનું અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ઐતિહાસિક ગ્રાઉન્ડ છે, અહીંથી જ રમેલા ઘણાં ટોચના ખેલાડીઓએ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. એટલું જ નહીં જેના નામે રણજી ટ્રોફી રમાઈ રહી છે તેવા જામ રણજીતસિંહ, અજય જાડેજા, વિનુ માકડ ,સલીમ દુરાની અને હાલના ભારતીય ક્રિકેટ ટીમના ઑલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ આજ મેદાનમાં ક્રિકેટ રમ્યા છે.