Teachers Day 2023 : શિક્ષણકાર્ય સાથે એન્કરિંગનો શોખ, આગવી ઢબે સરકારને મદદરૂપ થતાં જામનગરના શિક્ષક હરીદેવભાઈ ગઢવી - શિક્ષણ
Published : Sep 4, 2023, 5:17 PM IST
જામનગર : જામનગરના શિક્ષક હરીદેવભાઈ ગઢવી શિક્ષણ સાથે શોખ જાળવી રાખી સરકારને મદદરૂપ થઈ રહ્યા છે. આપને જણાવીએ કે તેઓ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવાના હેતુથી એન્કરિંગ કરે છે. હરીદેવભાઈ ગઢવી જામનગર જિલ્લામાં યોજાતા સરકારી કાર્યક્રમોનું છેલ્લા 13 વર્ષથી સફળ સંચાલન કરી સેવા આપી રહ્યા છે. હરીદેવભાઈ ગઢવી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથે જિલ્લા વહીવટી તંત્રને પણ નિઃસ્વાર્થ ભાવે છેલ્લા 13 વર્ષથી મદદરૂપ થતાં આવ્યા છે.
બાળપણથી જ સ્ટેજ પર જવાનો ઘણો શોખ હતો. પરંતુ શિક્ષક બન્યા છતાં પોતાના શોખને જાળવવા માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવાના હેતુથી જિલ્લાના સરકારી કાર્યક્રમોમાં સંચાલક તરીકે કામગીરી કરું છું. સરકારને વધુમાં વધુ કઇ રીતે મદદરૂપ થઈ શકાય તે પ્રકારે આયોજન કરું છું...હરીદેવભાઈ ગઢવી શિક્ષક
ભથ્થાં નથી લેતાં :જામનગર જિલ્લામાં યોજાતા સરકારી કાર્યક્રમોમાં તેઓ વિનામૂલ્યે સ્વખર્ચે કાર્યક્રમ સ્થળે પહોંચીને એન્કરિંગ કરે છે. જામનગર તાલુકાની આમરા કન્યાશાળામાં ફરજ બજાવતા હરીદેવભાઈ શિક્ષક હોવાથી તેમની ફરજ તો શિક્ષણ આપવાની છે, પરંતુ તેઓએ શિક્ષણ સાથે પોતાનો આ શોખ પણ જાળવી રાખ્યો છે. જિલ્લામાં યોજાતા નાના મોટા સરકારી કાર્યક્રમોથી માંડીને રાજ્યકક્ષાના કાર્યક્રમોમાં તેમની શબ્દોરૂપી કળા અવશ્ય સાંભળવા મળે. તેમણે ક્યારેય ટ્રાવેલિંગ અલાઉન્સ કે મોંઘવારી ભથ્થું લીધું નથી.