નડિયાદ ખાતે સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો, મહંતો રહ્યા હાજર - Swaminarayan Temple at Nadiad
Published : Dec 8, 2023, 8:54 AM IST
નડીયાદ : નવનિર્મિત BAPS સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. મહંત સ્વામી, અવિચલદાસજી તેમજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સહકાર રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠા સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો સહિત હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાને મંદિરમાં સ્થાપિત મૂર્તિઓના દર્શન કરી નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પર અભિષેક કર્યો હતો. સંસ્થાના વડા મહંત સ્વામી અને કેવલ જ્ઞાન પીઠાધિશ્વર અવિચલદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા.
ધર્મ પ્રત્યે જાગૃ કર્યા :આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, મંદિર ઈશ્વરનું ધામ, પ્રભુને પામવાનું સ્થાન, પરમેશ્વરની ભક્તિ આરાધના ઉપાસના કરવાનું કેન્દ્ર છે. આ મંદિર ભક્તોના ભાવ પુરા કરવા ધર્મ, ઉપાસના અને સંસ્કૃતિનું કેન્દ્ર બની રહેશે. સંત, શાસ્ત્ર અને મંદિર આ ત્રણ ભારતીય સંસ્કૃતિ હિંદુ ધર્મમાં મુખ્ય આધાર સ્તંભ છે. રામ મંદિરના દ્વાર ખૂબ જ ટૂંકા સમયમાં રામ ભક્તો અને સૌ ભારતીયો માટે ખુલ્લા થઈ જવાના છે. પ્રભુ શ્રીરામ ભારતનો આત્મા છે, ભારતની ઓળખ છે, ભારતનું ગૌરવ છે.