Surat Farmer Issue : દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ડાંગર અને શેરડી સહિતના પાકને નુકસાનની ભીતિ - ડાંગર અને શેરડી સહિતના પાકને નુકસાનની
Published : Aug 24, 2023, 4:06 PM IST
સુરત :છેલ્લા 20 દિવસથી વરસાદ ખેંચાતા દક્ષિણ ગુજરાતમાં 1.20 લાખ એકરમાં ઉગાડવામાં આવેલા ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સાથે ખેતીવાડીમાં વીજળીના 2 કલાક વધારો કરવા સહકારી આગેવાન જયેશ દેલાડ દ્વારા ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈને રજૂઆત કરવામાં આવી હતી.
ખેડૂતોની સમસ્યા : દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો શેરડી અને ડાંગરની ખેતી કરે છે. ત્યારે વરસાદ ખેંચાતા હાલ આ ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે સહકારી આગેવાન જયેશ દેલાડએ રાજ્યના ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈને પત્ર લખી આ અંગે રજૂઆત કરી હતી. પત્રમાં રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, સતત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 20 દિવસથી વરસાદ ખેંચાયો છે. હાલમાં ખેડૂતો દ્વારા ડાંગરનું અંદાજીત 1.20 લાખ એકર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. ડાંગરના પાકને પાણીની જરૂરિયાત વધુ હોય છે.
ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. દેશ વિકાસ અને લોકોના વિકાસમાં કૃષિ વિકાસ પાયામાં છે. ત્યારે વરસાદ લંબાવવાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી વીજળીના બે કલાક વધારવા માટે માંગ કરવામાં આવી હતી.-- જયેશ દેલાડ (સહકારી આગેવાન)
ઉર્જાપ્રધાનને રજૂઆત :બીજી તરફ શેરડીનું પણ એક લાખ એકરથી પણ વધારે વાવેતર થવા જઈ રહ્યું છે. જેમાં ૪૦ હજાર એકથી વધુ વાવેતર ટ્યુબવેલ આધારિત હોય છે. બાકી રહેલ શેરડીની રોપણી પણ ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલ ચોમાસાની સિઝન દરમિયાન વીજળી પૂરતા પ્રમાણમાં મળતી નથી. વીજ સપ્લાય વારંવાર ચાલુ બંધ ચાલુ બંધ થાય છે. તો હાલ આપવામાં આવતી વીજળી 8 કલાકની જગ્યાએ વધારાના બીજા બે કલાક ફાળવી કુલ 10 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.