Surat Crime : સુરતમાં ફરી માનવતા શર્મસાર, લીંબોદરા ગામે ઉકાઈ નહેરમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ - Limbodara Police
Published : Dec 25, 2023, 5:26 PM IST
સુરત :ફરી એકવાર માતૃત્વ અને માનવતા પર લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માંગરોલ તાલુકાના લીંબોદરા ગામની ઉકાઈ જમણા કાંઠાની નહેરમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. સ્થાનિક લોકોને નાળ જોડેલી હાલત સાથે એક દિવસની નવજાત બાળકી મૃત હાલતમાં નજરે પડી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવજાતનો મૃતદેહ મળ્યો :માંગરોલ તાલુકાના લીંબોદરા ગામે કોઈ અજાણ્યા લોકોએ પોતાનું પાપ છુપાવવા અથવા નવજાત બાળકનું મૃત્યુ છુપાવવાના ઇરાદે ગંભીર કૃત્ય કર્યું છે. કોઈ અગ્યાત શખ્સ ગર્ભની નાળ જોડેલી હાલતની એક દિવસની બાળકીને નહેરના પાણીમાં ફેંકી ગયું હતું. બાળકીનો મૃતદેહ નહેરના પાણીમાં દેખાતા આજુબાજુના લોકો ભેગા થયા હતા. આ અંગે કોસંબા પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ અંગે જાણ થતા અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. નવજાત બાળકીના મૃતદેહનો કબજો લીધો હતો. હાલ આસપાસના આરોગ્ય કેન્દ્ર પર તાજા જન્મેલા બાળકોના પરિવારની યાદી માંગવામાં આવી છે. આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. --જે.એ. બારોટ (PI, કોસંબા પોલીસ મથક)
પોલીસ તપાસ : કોસંબા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી એક દિવસની બાળકીના મૃતદેહનો કબજો લઈ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે કોસંબા પોલીસ મથકના PI જે.એ. બારોટે જણાવ્યું હતું કે, સ્થાનિક ખેડૂતો દ્વારા અમને જાણ કરવામાં આવતા અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. નવજાત બાળકીના મૃતદેહનો કબજો લીધો હતો. હાલ આસપાસના આરોગ્ય કેન્દ્ર પર તાજા જન્મેલા બાળકોના પરિવારની યાદી માંગવામાં આવી છે. આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.