Janmashtami 2023: શું તમે જોયું બાળકોએ બનાવેલું કૃષ્ણનું ગોકુળીયું ગામ ?
Published : Sep 8, 2023, 4:08 PM IST
સુરત: કૃષ્ણ જન્મ ઉત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતના કામરેજ તાલુકામાં નાના ભૂલકાઓ દ્વારા ગોકુળ ગામ બનાવવામાં આવ્યું છે. જેમાં ભગવાન કૃષ્ણ હતા ત્યારે કઈ પ્રકારનું ગામ હશે તેની ઝાંખી કરાવતી કૃતિ બાળકો દ્વારા બનાવાઈ હતી હાલ આ ગોકુળ ગામ સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શાલિગ્રામ ફ્લોરા સોસાયટીમાં દર વર્ષે જન્માષ્ટમીની વિશેષ ઉજવણી થાય છે. સોસાયટીના નાના ભૂલકાઓએ વડીલોનું માર્ગદર્શન મેળવી ગોકુળ ગામ બનાવ્યું છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં હતા ત્યારે કઈ પ્રકારનું ગામ હશે અને કઈ પ્રકારનો માહોલ હશે તે પ્રકારની પ્રતિકૃતિ સોસાયટીના બાળકોએ તૈયાર કરી છે. આ કૃતિ આસપાસના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગોકુળ ગામમાં મકાન, ગૌશાળા, ભગવાનનું મંદિર ત્યાંના લોકો સહિતની પ્રતિકૃતિ તૈયાર કરાતા આસપાસના સૌ લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. રાત દિવસ મહેનત કરી આ કૃતિઓ બનાવનાર દિવ્યેશભાઈએ જણાવ્યું હતું કે સોસાયટીના બાળકોએ ભેગા થઈને ગોકળીયું ગામ બનાવ્યું હતું. જેથી લોકોને ખ્યાલ આવે કે ગોકળીયું ગામ કેવું હશે અને તેઓ વિશે માહિતી મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. અમારું આ આયોજન સૌ કોઈને ગમ્યું હતું.