શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો ધંધુકા રેલવે ઓવરબ્રિજની કામગીરીનો મુદ્દો, લાંબા સમયથી ચાલતા કામને ઝડપથી પૂર્ણ કરવા કરી માંગ - કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ
Published : Dec 8, 2023, 6:40 PM IST
નવી દિલ્હી: સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આજે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ધંધુકા પાસે ચાલતા રેલ્વેના ઓવરબ્રીજના કામનો મુદ્દો ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે ગૃહને જણાવ્યું હતું કે, બગોદરાથી ધંધુકા તરફ જતા રસ્તા પર ધંધુકા પાસે ઘણા લાંબા સમયથી રેલ્વેના ઓવરબ્રીજનું કામ રહ્યું છે, અને અત્યંત લાંબો સમય વિતી ગયો હોવા છતાં આ કામ પૂર્ણ થયું નથી. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે, અને સતત ટ્રાફીક જામની ઘટના પણ બની રહી છે. શક્તિસિંહ ગોહિલની આ રજૂઆતને લઈને રાજ્યસભાના સભાપતિએ ધંધુકા પાસે ચાલતા રેલ્વે ઓવરબ્રીજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, સરકાર તરફથી આ કામ પહેલા વિલંબમાં પડ્યું હતું પરંતુ હવે તેને ઝડપથી પૂરું કરવાની ખાતરી અપાઈ છે.