Valsad News: પારડીમાં વાઘનું નકલી ચામડું વેચવા માટે આવેલા સાત જેટલા શખ્સોની અટકાયત - selling fake tiger skin in valsad
વલસાડ:જિલ્લા વન વિભાગે વાઘનું કથિત ચામડું ઝડપી પાડ્યું હતું. સાથે જ સાત જેટલા શખ્સોની અટકાયત પણ કરી હતી. જોકે તપાસમાં વાઘનું કથિત ચામડું નકલી ચામડું હોવાનું બહાર આવ્યું હતું. આથી વન વિભાગે પૂછપરછમાં રાખેલા સાત શખ્સોને ફરી જરૂર પડે ત્યારે હાજર રહેવાના બાંહેધરી સાથે મુક્ત કર્યા હતા. વધુ તપાસ માટે ચામડું એફએસએલમાં મોકલાશે.
ચામડાની થશે ફોરેન્સિક તપાસ: પારડી વન વિભાગના આરએફઓ કોકણીએ જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ વાઘનું ચામડુંના હોવાનું બહાર આવ્યું છે. પરંતુ તપાસમાં કોઈ કચાસ ના રહે તે માટે વધુ તપાસ માટે આ ચામડાને ફોરેન્સિક તપાસ માટે પણ મોકલવામાં આવ્યું છે. જયારે તેનો સમગ્ર રીપોર્ટ આવશે ત્યારે હકીકત બહાર આવે એમ છે. હાલ તો ઘટનામાં પકડાયેલા સાત લોકોને બાહેધરી લઇ જવા દેવામાં આવ્યા છે. જોકે વન વિભાગ પણ વાઘનું ચામડું હોવાનું જાણી એક સમયે તો દોડતું થયું હતું. બાદમાં વેટરનરી તબીબની સલાહ લેતા તે વાઘનું ચામડું ના હોવાનું બહાર આવતા વન વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.