Patan district in Rain : પાટણ જિલ્લાના તમામ તાલુકામાં જોવા મળ્યો વરસાદ - Patan district in Rain
Published : Sep 17, 2023, 6:10 PM IST
|Updated : Sep 18, 2023, 10:57 AM IST
પાટણ : જિલ્લામાં શરૂઆતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી, જેને લઇને ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સારું ચોમાસુ જશે તેવી આશાએ વિવિધ ખેતરોમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતો પોતાના ખેતી પાકોને લઈને ચિંતિત બન્યા હતા, તો બીજી તરફ વરસાદ ખેંચાવાને પગલે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી : હવામાન વિભાગની આગાહીને પગલે ગતરોજ મોડી રાત્રે જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા અને વીજળીના તેજ લિસોટા તેમજ મેઘ ગર્જના સાથે ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વરસાદી પાણી માર્ગો ઉપર ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો બીજી તરફ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગત મોડી રાત્રે સાર્વત્રિક એક ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. રાત્રે પડેલો વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન બની રહેશે.
તાલુકા પ્રમાણે વરસાદ : પાટણ જિલ્લામાં મેઘ મહેર થતાં ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો છે. જિલ્લાના પાટણમાં 28 mm, સિદ્ધપુરમાં 30 mm, રાધનપુરમાં 27 mm, સાંતલપુરમાં 20 mm, ચાણસ્મામાં 14 mm, શંખેશ્વરમાં 17mm, સરસ્વતીમાં 18 mm, હારીજમાં 5 અને સમીમાં 5 mm વરસાદ નોંધાયો છે.