વર્લ્ડ કપ 2023: ફાઇનલ મુકાબલાને નિહાળવા રાજકીય નેતાઓ પહોંચ્યા, US એમ્બેસેડરે ભારતીય ટીમને કર્યું ચીયર્સ - ભારત તથા ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચ
Published : Nov 19, 2023, 3:02 PM IST
અમદાવાદ :વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચ યોજાઈ રહી છે. આ ફાઇનલ મેચ નિહાળવા દેશ-વિદેશથી મોટી હસ્તીઓ અમદાવાદ આવી પહોંચી છે. મેચને લઈને કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાઇનલ મેચ પર આખી દુનિયાની નજર છે. ત્યારે મહા મુકાબલાના સાક્ષી બનવા અમદાવાદ એરપોર્ટ પર આવી રહેલા દેશ અને વિદેશના હસ્તીઓને કારણે ઘસારો પણ જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીય ખેલપ્રધાનની ઉપસ્થિતિ : ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ જોવા આવેલા મોટાભાગના મહેમાનો અને VIP અમદાવાદ પહોંચી ગયા છે. તો હજુ પણ કેટલીક હસ્તીઓનું આગમન થઈ રહ્યું છે. અમદાવાદના એરપોર્ટ પર આજે કેન્દ્રીય ખેલપ્રધાન અનુરાગ ઠાકુર આવી પહોંચ્યા હતા. ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા આવેલા અનુરાગ ઠાકુરે મીડિયાને જણાવ્યું હતું કે, આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચને લઈને સમગ્ર દેશ ઉત્સાહિત છે. ત્યારે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં આ મેચ જોવા અને ભારતની જીતના સાક્ષી બનવા માટે તેઓ અતિ ઉત્સાહિત છે. દુનિયાની સૌથી લોકપ્રિય એવી ક્રિકેટની ફાઇનલ મેચ આ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જે ભારત અને ખાસ કરીને ગુજરાત માટે આનંદની વાત છે. આ સાથે તેમણે 1983 ના વર્લ્ડ કપની જીતને યાદ કરીને કહ્યું હતું કે, આ વખતે પણ ભારત ચેમ્પિયન બનશે.
મેઘાલયના CM એ આપી શુભેચ્છા : ઉપરાંત આજે મેઘાલય CM કોનરાડ સંગમા ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા આવ્યા છે. ત્યારે એરપોર્ટ પર પહોંચતા મેઘાલયના CM કોનરાડ સંગમાએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈને ભારતની જીતની આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારતની ટીમ હાલ પૂરા ફોર્મમાં છે. આ વખતે ભારત ચેમ્પિયન બને તેવી શુભકામના પાઠવી હતી.
US એમ્બેસેડરે ભારતને કર્યું ચીયર્સ : આ સાથે ભારત સ્થિત US એમ્બેસેડર એરિક ગારસેટીએ આજના દિવસે ટીમ ઈન્ડિયાને ચીયર અપ કરતા મેચને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમને એ પણ જણાવ્યું હતું કે અહીં એક વાત ચોક્કસ કહી શકાય કે સતત જીત સાથે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ત્યારે લાખો ક્રિકેટ પ્રેમીઓથી ભરેલા સ્ટેડિયમમાં આજે જશ્ન જેવો માહોલ જોવા મળશે. હાલ તો અમદાવાદના આંગણે ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.