Bull Fight: હારીજમાં આખલા યુદ્ધના કારણે લોકોના જીવ પડીકે બંધાયા - હારીજમાં આખલા યુદ્ધ
Published : Jan 5, 2024, 7:46 PM IST
પાટણ : જિલ્લાના હારીજમા આજે બજારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા બજારમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો તેમજ દુકાનદારોના જીવ જોખમમાં મુકાયા હતા. આખલાઓ એકબીજાને શીંગડા ભરાવતા બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંને આંખલાઓને છોડાવવા માટે સ્થાનિકોએ લાકડી ધોકા સહિતનો ઉપયોગ કર્યો હતો પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. હારીજ નગરપાલિકાની રખડતા ઢોરો પ્રત્યેની ઉદાસીનતાને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
રજૂઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન : રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન તાકીદે હલ કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને તાકીદ કરી છે. જ્યારે બીજી બાજુ હાઇકોર્ટના આ આદેશની પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સત્તાધિશો પર કોઈ અસર ન હોય તેમ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો પ્રશ્ન પેચિંદો બન્યો છે. શહેર સહિત જિલ્લામાં અવારનવાર રખડતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લઈ ઇજાગ્રસ્ત કરે છે. તો કેટલાક બનાવોમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા વ્યક્તિઓના મોત પણ થયા છે.