રાજકોટમાં ભારે વરસાદના કારણે ખંડેરી સ્ટેડિયમમાં 1 કરોડથી વધુનું નુકસાન - ખંડેરી સ્ટેડિયમમાં 1 કરોડથી વધુનું નુકસાન
Published : Nov 26, 2023, 6:38 PM IST
રાજકોટ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે રાજકોટમાં આજે વહેલી સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. એવામાં રાજકોટની ભાગોળે આવેલા ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારે પવન અને વરસાદના કારણે ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે.
લાખો રૂપિયાનું નુકસાન:રાજકોટમાં પડેલા વરસાદના કારણે ખંડેરી સ્ટેડિયમના મીડિયા બોક્સના કાચ સહિતની વસ્તુઓ તૂટી સાથે એલિવેશનના પતરા પણ ઉડી ગયા હતા. હાલમાં ખંડેરી સ્ટેડિયમમાં કુચ બિહાર ટ્રોફીની મેચ શરૂ હતી. જેને પણ વરસાદને પગલે રદ કરવામાં આવી છે તેમજ અંદાજિત 1 કરોડ કરતાં વધુનું નુકસાન થવા પામ્યું છે. ખંડેરી સ્ટેડિયમ એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એટલે કે SAC સંચાલિત છે. એવામાં ભારે વરસાદના કારણે અહીં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
આ અંગે સ્ટેડિયમ સંચાલકોનું માનવું હતું કે વરસાદની જ આગાહી હતી પરંતુ ભારે પવનની આગાહી નહોતી. જેના કારણે સ્ટેડિયમ તંત્ર દ્વારા કોઈ પણ તૈયારી કરાઈ ન હતી. એવામાં વરસાદ સાથે ભારે પવન આવતાં નુકસાની થઈ હતી.