Surat News: ધનશેર પ્રાથમિક શાળાના શિક્ષિકા કોકીલા પટેલના વિદાય પ્રસંગે શાળા અને ગામ હીબકે ચઢ્યું - શિક્ષિકા શ્રીમતી કોકીલાબેન દિનેશભાઈ પટેલ
સુરત: ઓલપાડ તાલુકાના ધનશેર પ્રાથમિક શાળામાં છેલ્લાં 17 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં શિક્ષિકા શ્રીમતી કોકીલાબેન દિનેશભાઈ પટેલની બદલી થતાં તેમનો શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા પરિવાર દ્વારા આયોજિત આ વિદાય સમારંભમાં શાળાના વિદ્યાર્થીઓ,શિક્ષકો અને ગ્રામજનો ચોધાર આંસુએ રડ્યા હતા અને ભારે હૈયે શિક્ષક કોકિલા બેનને વિદાય આપી હતી.
શાળામાં 17 વર્ષ સેવા આપી: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ધનશેર પ્રાથમિક શાળામાં તેઓ છેલ્લાં 17 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં શિક્ષિકા શ્રીમતી કોકીલાબેન દિનેશભાઈ પટેલની બદલી થઈ હતી. જેથી તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામનાં સરપંચ, સમસ્ત વાલીઓ, વડીલો, સામાજિક કાર્યકરો સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષણ કાર્ય સાથે શાળાનું નામ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રોશન કરવામાં શ્રીમતી કોકીલાબેનનો સિંહ ફાળો રહ્યો છે.
સાચા અર્થમાં શિક્ષકત્વ ઉજાગર કર્યું: શાળાનાં તમામ બાળકોને અક્ષર સુધારણા, બાહ્ય પરીક્ષાઓની તૈયારી, શાળા કેમ્પસમાં વૃક્ષોનું જતન, બાળકોની આરોગ્યલક્ષી સેવાઓ જેવાં વિવિધ પાસાઓની ચિંતા તેઓ હરહંમેશ રાખતાં હતાં. તેઓએ ગામનાં દરેક શુભ અશુભ સામાજિક પ્રસંગોમાં અચૂક હાજરી આપીને સમગ્ર ગામનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કર્યો હતો. વેકેશન દરમિયાન પણ તેઓ શાળા મુલાકાત લેવાનું ક્યારેય ચૂકતા નહીં. પોતાની ફરજને પ્રભુકાર્ય સમજી 17 વર્ષ સુધી એકધારી સેવા તેમણે આ શાળામાં આપી.
ભારે હૃદય વિદાય આપી:શિક્ષક વિજયભાઈ જણાવ્યું હતુંકે સંપૂર્ણપણે શાળાને સમર્પિત એવાં આ શિક્ષિકાનાં વિદાય પ્રસંગે સમસ્ત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ આખું ગામ ચોધાર આંસુએ રડ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ શ્રીમતી કોકીલાબેનું ભવ્ય સન્માન કરી તેમને ભારે હૃદય વિદાય આપી હતી. તેમજ અંતમાં આ શાળાનાં આચાર્ય રસિકભાઇએ તેમનો બાકીનો રહેલ સેવાકાળ બાળ હિતકારી તેમજ જીવન નીરોગીમય બની રહે એવી સમસ્ત શાળા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.