Krishna Janmashtami 2023 : સોનાના પારણે ઝુલ્યા ડાકોરના ઠાકોર, ગોપાલના દર્શન કરી ભાવિકો ધન્ય - જન્માષ્ટમી
Published : Sep 8, 2023, 3:41 PM IST
ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગોપાલ લાલજીને સોનાના પારણે ઝુલાવવામાં આવ્યા હતા. મધરાતે કૃષ્ણ જન્મને વધાવવા ભાવિકોનો મહેરામણ ઉમટ્યો હતો. યાત્રાધામ ડાકોરની ગલીઓ જય રણછોડ માખણચોરના નાદથી ગૂંજી ઉઠી હતી. રાજાધિરાજ રણછોડરાયજી પ્રભુને લલાટે કુમકુમ તિલક કરી સલામી સાથે પ્રારંભ થયેલ જન્મોત્સવમાં પ્રથમ પંચામૃત સ્નાન, શુદ્ધોદક સ્નાન બાદ ચુનરીયા વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યાં હતાં. બાદમાં અમૂલ્ય હીરા અને રત્નોજડિત ઝરઝવેરાતનો અદભુત આકર્ષણ ધરાવતો મોટો મુગટ ધરાવવામાં આવ્યો હતો.
પ્રભુને સોનાના પારણે ઝુલાવાયા : જન્માષ્ટમીના આ સેવા દર્શન બાદ બાલ ગોપાલલાલજી મહારાજને મંદિરમાં સોનાના પારણે ઝૂલાવવામાં આવ્યાં હતાં. જે સમયે પ્રભુને જન્મોત્સવના કીર્તનથી લાડ લડાવવામાં આવ્યાં હતાં. સોનાના પારણે ઝૂલતા ગોપાલ લાલજીના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા. કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે રણછોડરાયજી મંદિરમાં ભાવિકોનો મહેરામણ ઉમટ્યો હતો. જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી જ વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા. ભાવિકોનો પ્રવાહ મધરાત સુધી અવિરત ચાલુ રહ્યો હતો.
આ કારણોસર ગોપીઓની નોમ પણ કહેવાય છે : યાત્રાધામ ડાકોર ખાતે વર્ષોની પરંપરા મુજબ બીજા દિવસે નંદ મહોત્સવ ઉજવવામાં આવે છે. જે ગોપીઓની નોમ તરીકે પણ ઉજવાય છે. મંદિરના સેવકો દ્વારા જશોદા, નંદ મહારાજા, ગોપી તેમજ વ્રજવાસીઓના શણગાર સજવામાં આવે છે. માખણ, મિસરી સાથે દહીહાંડી ફોડીને મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.