Navsari Rain : મંદિર ગામે કાર ગરનાળામાં ડૂબી, કારમાં સવાર લોકોએ બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા - મંદિર ગામે કાર ગરનાળામાં ડૂબી
નવસારી : હવામાન વિભાગની આગાહીને પગલે નવસારીમાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને સમગ્ર પંથકમાં પાણી પાણી થયું છે. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર વરસાદી આફતને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે નવસારીના મંદિર ગામે કાર ગરનાળામાં ફસાઈ ગઈ હતી.
કાર પાણીમાં ડૂબવા લાગી : નવસારીના મંદિર ગામે ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થતાં સવારે છ વાગ્યાની આસપાસ કોથા ગામના પરિવાર પોતાના બાળકોને સ્કૂલે મૂકવા માટે ગરનાળામાંથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ ગરનાળામાં પાણી વધુ હોવાથી તેઓની કાર પાણીમાં ડૂબવા લાગી હતી. તેથી કારમાં સવાર પરિવાર પોતાનો જીવ બચાવવા માટે કારના છાપરા ઉપર ચડી ગયા હતા. બુમાબુમ કરતા સ્થાનિક યુવાનો તેઓની મદદ દોડી આવ્યા હતા. તેઓને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
મંદિર ગામના ફાયર વિભાગમાં નોકરી કરતા અમારા સ્ટાફે અમને આ ઘટનાની જાણ કરી હતી. નવસારીથી ફાયરની ટીમ મોકલી ગરનાળામાં પાણીમાં ફસાયેલી કારમાં સવાર ચાર લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. કોથા ગામના પરિવારને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે - કિશોર માંગેલા (ફાયર વિભાગ અધિકારી નવસારી)
સ્થાનિકોએ બચાવ્યા : તો બીજી તરફ ત્યાંથી પસાર થતા ફાયરના કર્મચારી હેનીશ આહીરે સમય સુચકતા વાપરી પોતાના ફાયર વિભાગના ઉપરી અધિકારીને સમગ્ર ઘટનાની જાણ કરતા નવસારી ફાયર વિભાગ ઘટના સાથે પહોંચી ગઈ હતી. કારમાં સવાર ગામના સ્થાનિક એક પુરુષ, એક બે મહિલા અને એક બાળકને ફાયર વિભાગે મહા મહેનતે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા. બાદમાં તેઓની કારને પણ ગરનાળામાંથી ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવી હતી.