Navsari News : ચીખલીમાં આખલાઓ તોફાને ચડતા ઘરમાં ઘૂસ્યાં - આખલાઓ તોફાને ચડતા ઘરમાં ઘૂસ્યાં
નવસારી : નવસારીના ચીખલીમાં મુખ્ય બજારમાં રખડતા ઢોરોનો આતંક વધુ એકવાર જોવા મળ્યો હતો. ચીખલીના બજારમાં આવેલા એક ઘરમાં આખલાઓ લડતા લડતા રસોડા સુધી પહોંચી ગયાં હતાં. રસોડામાં કામ કરી રહેલી મહિલાને સામાન્ય ઇજા થઇ હતી. ચીખલી તાલુકા પંચાયત દ્વારા રખડતા ઢોર બાબતે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લાની પણ અન્ય જિલ્લાઓની જેમ રખડતા ઢોરોના ત્રાસની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. ભૂતકાળમાં પણ રખડતા ઢોરોના કારણે અકસ્માતના બનાવો પણ બન્યા છે.
મહિલાને સામાન્ય ઇજા ચીખલી તાલુકામાં શનિવારના રોજ સાંજના સમયે ત્રણ જેટલા મોટા આંકડાઓ તોફાને ચડતા ચીખલી બજાર વિસ્તારમાં આવેલા મકાનમાં ફૂલની દુકાન ચલાવતા ઘરમાં ત્રણ આખલા તોફાને ચડતાં લડતાં લડતાં તેમના રસોડા સુધી પહોંચી ગયા હતા. ત્યાં કામ કરતી મહિલા કમુબેન ઈશ્વરભાઈ માળી જે રસોડાના રસોઈ બનાવતા હતાં તેમને સામાન્ય ઇજા થઈ હતી. જોકે થોડા સમય બાદ આખલાઓ શાંત પડતા ઘરમાંથી ફરી બહાર બજારમાં નીકળ્યા હતાં જે તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતાં. હાલ તો સ્થાનિકો દ્વારા પંચાયત દ્વારા રખડતા ઢોર બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આખલાની અડફેટથી મોત : ભૂતકાળમાં રસ્તા પર બાઈક ચલાવતા વિદ્યાર્થી સામે અચાનક આખલો આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત થયું હતું. તો શાકભાજી માર્કેટ જેવા વિસ્તારોમાં વારંવાર આખલાઓની લડાઈઓમાં એક વૃદ્ધ ઝપેટમાં આવતા તેમનું પણ મૃત્યુ થયું હતું. પાલિકા હાલ રખડતા ઢોરોને પકડી પાંજરે પૂરીને પોતાની કામગીરી તો બતાવે છે પરંતુ આનો કાયમી ઉકેલ કોઈ શોધી શકી નથી.