Kayaking Boating Accident : સાબરમતી નદીમાં બોટિંગ કરતી યુવતી અચાનક નદીમાં પડી પછી... - બોટિંગ કરતી યુવતી અચાનક નદીમાં પડી
અમદાવાદ : રિવરફ્રન્ટ પર સહેલાણીઓ માટે શરૂ કરાયેલી કાયાકિંગ બોટિંગમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. કાયાકિંગ બોટમાં બોટિંગ કરતી યુવતી અચાનક બેલેન્સ ગુમાવતા નદીમાં પડી હતી. જોકે, સાબરમતી રિવરફ્રન્ટ પર તૈનાત રેસ્ક્યુ ટીમે ત્યાં પહોંચી તાકિદે મહિલાને બચાવી લીધી હતી. ત્યારબાદ મહિલાને સહીસલામત નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
બોટ પલટી : રિવરફ્રન્ટ પર વિવિધ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવામાં આવે છે. ખાસ કરીને શની-રવીવારમાં સહેલાણીઓની ભીડ જામતી હોય છે. ત્યારે આજે વીકેન્ડમાં લોકો આ બોટીંગની મજા માણી રહ્યા હતા. તેવામાં બોટીંગ કરતા સમયે એક યુવતીની બોટ અચાનક પલટી ગઈ હતી. જેના કારણે થોડી મિનિટો માટે બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા. અચાનક કાયાકિંગ બોટ સાબરમતી નદીમાં પલટી જતા યુવતી પાણીમાં પડી ગઈ હતી. જોકે, તેણે સેફટી જેકેટ પહેરેલુ હોવાથી તે પાણીમાં ડૂબી નહોતી. ત્યારબાદ યુવતીએ તેમજ આસપાસનાં લોકોએ પણ બુમાબુમ કરતા ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ ટીમ દ્વારા મહિલાને સુરક્ષિત બચાવી લેવામાં આવી હતી.
મહિલાએ આભાર માન્યો : ઉલ્લેખનિય છે કે, અમદાવાદની સાબરમતી નદીમાં થોડા સમય પહેલા જ કાયાકિંગ બોટંગ શરૂ કરવામાં આવી છે. પરંતુ ઓછા સમયગાળામાં બે વ્યક્તિઓએ બોટીંગ સમયે પોતાનું બેલેન્સ ગુમાવતા નદીમાં પડી જવાની ગંભીર ઘટના સામે આવી છે. તેવામાં આ ઘટના બાદ બચી ગયેલી યુવતીએ પણ પોતાની આપવીતી જણાવી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, હું બોટીંગ કરી રહી હતી અને અચાનક બેલેન્સ ગુમાવ્યું હતું. જેના કારણે બોટ પલટી ખાઈ ગઈ હતી. પરંતુ રેસ્ક્યુ ટીમે મને બચાવી લીધી હતી.
સેફટી જેકેટ જરુરી : અગાઉ પણ થોડા દિવસો પહેલા આ જ રીતે એક વ્યક્તિ બોટીંગ કરતા સમયે નદીમાં પડી ગયો હતો. તેનુું પણ સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે આજના અકસ્માતના વિડીયો પણ સામે આવ્યા છે. આ ઘટનામાં યુવતીએ સેફટી જેકેટ યોગ્ય રીતે પહેર્યુ હોવાથી તેનો જીવ બચી ગયો હતો.