Chandrayaan 3 Paintings: કચ્છના કારીગરે રોગાનકળા મારફતે ચંદ્રયાન 3ની બે કૃતિ તૈયાર કરી - ચંદ્રયાન 3ની સફરને દર્શાવતી પ્રતિકૃતિ
Published : Aug 23, 2023, 1:39 PM IST
|Updated : Aug 23, 2023, 2:14 PM IST
કચ્છ:સરહદી જિલ્લો કચ્છ કળા અને કારીગરીનો પ્રદેશ છે. કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પણ પોતાની કલા વડે ઉજાગર કરતા આવ્યા છે. ત્યારે હાલમાં ચર્ચાનો વિષય બનેલ ભારતના ચંદ્રયાન 3 મિશનને કચ્છના કારીગરે 400 વર્ષ જૂની રોગાન કળામાં કંડારી છે. ચંદ્રયાન 3ની પૃથ્વી પરથી ભરેલી ઉડાન અને ચંદ્રયાનનું ચંદ્ર પર લેન્ડિંગ થયા બાદ રોવર સંશોધન કરતું હોય તેવી બે કૃતિ રોગાન કળાના સ્વરૂપે દર્શાવવામાં આવી છે.
ચંદ્રયાન 3ની સફરને દર્શાવતી પ્રતિકૃતિ: ભારતભરમાં આ ઐતિહાસિક મિશનને ઉજવવા જુદાં જુદાં સાયન્સ સેન્ટરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 6 વાગ્યાની આસપાસ ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડ કરશે. ચંદ્રયાન 3ની લેન્ડિંગ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે વિશ્વભરમાં લોકો વિશેષ પ્રાર્થના કરી રહ્યા છે. કચ્છના માધાપર ગામના રોગાન કારીગર આશિષ કંસારાએ ચંદ્રયાન 3ની સફરને દર્શાવતી પ્રતિકૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરવામાં આવી છે. કચ્છના કારીગરે આ 400 વર્ષ જૂની કળામાં ચંદ્રયાનની કૃતિ બનાવી આજનો દિવસ દેશ માટે કેટલો મહત્વપૂર્ણ છે તે સિદ્ધ કર્યું છે.
" ત્રણ દિવસની મહેનત બાદ ચંદ્રયાનની બે કૃતિ રોગાન કળા મારફતે બનાવી છે. ચંદ્રયાન 3ની પૃથ્વી પરથી ભરેલી ઉડાન અને ચંદ્રયાનનું ચંદ્ર પર લેન્ડિંગ થયા બાદ રોવર સંશોધન કરતું હોય તેવી બે કૃતિ રોગાનના વિવિધ રંગો દ્વારા બનાવી છે. રોગાન આર્ટિસ્ટ તરીકે ખાસ કરીને રોગાન કળા વડે પોર્ટ્રેટ ચિત્રો બનાવવાનું વધારે પસંદ છે. આ રોગાન કળામાં ખૂબ મેહનત લાગે છે. 400 વર્ષ જૂની રોગાન કળાને ફરી ઉજાગર કરવા પ્રયત્નો કરી રહ્યા છીએ. રોગાન કળામાં તસવીરો બનાવવી ખૂબ જ મુશ્કેલ છે અને તેના માટે બારીક કારીગરીની જરૂર પડે છે." - આશિષ કંસારા, રોગાન આર્ટિસ્ટ
છેલ્લાં 5 વર્ષથી કરે છે રોગાન કળા: રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લા પાંચ વર્ષથી પોતાનો જીવન રોગાન કલા પ્રત્યે સમર્પિત કર્યું છે. આશિષભાઈએ બાળપણમાં પાટણથી રોગાન કળા શીખી હતી. કચ્છ આવીને રોગાન કળા મૂકી ફોટોગ્રાફી શરૂ કરી હતી પરંતુ આ લુપ્ત થતી રોગાન કળાને ઉજાગર કરવા ફરીથી મોટે પાયે રોગાન કામ કરવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે રોગાન કળા ખૂબ કઠિન કળા માનવામાં આવે છે અને તે કારણે જ તેના વડે મોટેભાગે કારીગરો ટ્રી ઓફ લાઇફ જેવી કૃતિઓ જ બનાવતા હોય છે. પરંતુ આશિષભાઈએ રોગાન કળામાં ચંદ્રયાન 3ની કૃતિ બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.