Jamnagar News: સરલાબેન આવાસમાં પાણીની સમસ્યાથી કંટાળીને 300 મહિલાએ કોર્પોરેશના ટેન્કર પર કર્યુ 'હલ્લાબોલ' - કોર્પોરેશનના વોટર ટેન્કર પર હલ્લાબોલ
Published : Sep 16, 2023, 7:31 PM IST
જામનગર: સરલાબેન આવાસમાં પીવાના પાણીની બહુ મોટી સમસ્યા છે. અહીં કોર્પોરેશન દ્વારા અવારનવાર ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. આજે આ વિસ્તારની મહિલાઓનો રોષ જ્વાળામુખી બનીને ભભૂકી ઉઠ્યો. મહિલાઓએ કોર્પોરેશના ટેન્કર પર હલ્લાબોલ કર્યું. વાંચો સમગ્ર સમાચારનું અથથી ઈતિ.
અનેક વિસ્તારોમાં ટેન્કરથી પાણીનો સપ્લાયઃ શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ મહા નગર પાલિકા પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહી છે. જામનગરની હદ વધ્યા બાદ કેટલાક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. ત્યારે બેડી જોડિયા ફુંગા સહિતના વિસ્તારોમાં અવારનવાર પાણીના ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે. સરલાબેન આવાસ યોજનામાં પહેલેથી પાણીની સમસ્યા છે.
અનેક રજૂઆતો પણ પરિણામ શુન્યઃ આ અંગે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શુન્ય આવ્યું છે. આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ મનપા દ્વારા લાવવામાં આવ્યો નથી. આ સમસ્યાને પરિણામે સ્થાનિક મહિલાઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ વિસ્તારની 300 મહિલાઓએ કોર્પોરેશનના વોટર ટેન્કર પર હલ્લાબોલ કર્યું હતું. જો હજુ પણ કોર્પોરેશન દ્વારા પાણીની સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ નહીં લાવવામાં આવે તો મહિલાઓનો વિરોધ ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.