Jamnagar Crime : જામનગરના આર્મી નેવી બેઝ પર જવાને પેટમાં ગોળી મારી આત્મહત્યા કરી, તપાસ શરુ - Iqbal Mohammad Khan Kayamkhani
Published : Nov 6, 2023, 4:18 PM IST
જામનગર:જામનગર આર્મી નેવી બેઝ પર આઈએનએસ વાલસુરામાં ફરજ બજાવતા નૌકાદળના કર્મચારીએ પોતાના ડ્યુટી સ્ટેશન પર પોતાની સર્વિસ રિવોલ્વર વડે પેટમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના સૈનિકે શા માટે આત્મહત્યા કરી તે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જામનગર પોલીસ નેવી સ્ટેશને પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના 47 વર્ષીય ઈકબાલ મોહમ્મદ ખાન કાયમખાની ગઈકાલે સાંજે લગભગ 5:30 વાગ્યે એરિયા વોચ ટાવર નાઈન ખાતે પોતાની ફરજ પર હતાં ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. જેની સાથે અન્ય સૈનિકો ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં ઇકબાલ કાયમખાનીને પેટમાં ગોળી વાગી હતી અને તે લોહીલુહાણ થઇ ગયો હતો. જોકે, સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું. તેણે પોતાની જ ઇન્સાસ સર્વિસ રિવોલ્વરથી છાતીમાં ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગેની માહિતી બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મિલી ઓડેદરા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અને નૌકાદળ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ જામનગર જવા રવાના થયા છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં આપઘાતનું કારણ બહાર આવશે.