હેલિકોપ્ટરથી જાનનું આગમન : જામનગરમાં ભાવનગરથી વરરાજાની વેલ હેલિકોપ્ટર મારફતે આવતાં લોકો નિહાળવા માટે થયા એકઠા - હેલિકોપ્ટરમાં જાન
Published : Dec 12, 2023, 3:48 PM IST
જામનગર : રાજપૂત સમાજના બિઝનેસમેન અજયસિંહ છત્રસિંહ ચુડાસમાના પુત્ર કરણસિંહના લગ્ન પ્રસંગમાં બદલાતા સમયે અને પરંપરાઓની વચ્ચે પણ સંસ્કૃતિના સુગમ સાથે રજવાડી ઠાઠમાઠ જોવા મળે તે માટે ચુડાસમા પરિવારના આંગણે સોમવારે હેલિકોપ્ટર મારફતે વેલનું આગમન થયું હતું. ભાવનગરથી વરરાજાની આવેલી વેલ માટે ભારે ઠાઠમાઠ સાથે પરીવારજનો જોવા મળ્યા હતા. શહેરની મધ્યમાં હેલિકોપ્ટરનું ઉતરાણ થયું હતું, ત્યારે ચુડાસમા પરિવારના સભ્યો અને નિમંત્રિત મહેમાનો તેમજ અન્ય લોકો ટોળે વળ્યા હતા. કેટલાક લોકોએ હેલિકોપ્ટરની સાથે સેલ્ફી પણ લિધી હતી.
હેલિકોપ્ટર મારફતે વેલ આવી : જામનગરના જાણીતા બીઝનેસમેન ઉપરાંત અન્ય શહેરોમાં પણ વિશાળ અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિક પ્રતિષ્ઠા ધરાવતા અજયસિંહજી છત્રસિંહજી ચુડાસમાના કુંવર ચિરંજીવી કરણસિંહજીનો વિશાળ પ્રસંગ યોજાવાનો છે. ત્યારે બદલાતા સમય સાથે અને બદલાતી પરંપરાઓની વચ્ચે પણ જળવાયેલો મોભો અને જળવાયેલી સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે જામનગરમાં યોજાઈ રહેલ એક એવો લગ્નપ્રસંગ કે જે રાજપૂત સંસ્કૃતિના સીમાચિહ્નરૂપ બની રહેશે.