Jamnagar News : જામનગરમાં લોહાણા કન્યા છાત્રાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઇ
જામનગર : ભારત દેશ ઋષિમુનીઓ અને ગુરૂદેવોની ભૂમિ છે. જ્યાં આપણને ગુરુપૂજનનું ખૂબ જ મહત્વ છે. ભારતીય સંસ્કુતિમાં ગુરુને ભગવાન સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતીય પરંપરા આવનારી પેઢીઓમાં પણ આવે તે માટે જામનગરની કન્યા છાત્રાલયમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં દીકરીઓને સારા સંસ્કાર મળી રહે તેવા હેતુથી લોહાણા કન્યા છાત્રાલયમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
ગુરૂપૂર્ણિમાની ઉજવણી : જામનગરની સ્વ. હિરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલય ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત છાત્રાલયમાં ગુરૂપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શાળાના તમામ શિક્ષકો અને આચાર્યનું મંત્રોચ્ચાર કર્યા બાદ આરતી કરી પૂજન કરવામાં આવ્યું હતું.
ગુરુજનોનું પૂજન : સૌ પ્રથમ વિધાર્થીનીઓએ ગુરુના મહિમા વિશે જણાવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. છાત્રાલયની 50 વિદ્યાર્થિનીઓએ શાળાના 31 જેટલા શિક્ષકો અને આચાર્યનું પૂજન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા કન્યા છાત્રાલયના ગૃહમાતા ભાવનાબેન પોપટે જહેમત ઉઠાવી હતી.
અહીં દર વર્ષે તુલસી પૂજા તેમજ માતૃ પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે છાત્રાલયની દિકરીઓને ભારતીય પરંપરાના સંસ્કાર મળે તે માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે.--ભાવનાબેન પોપટ (ગૃહમાતા)
નાની દીકરીની મોટી વાત : જામનગરની સ્વ. હિરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલય ખાતે ગુરૂપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી જાનવી લોહાણા કન્યા છાત્રાલયમાં રહે છે. તેઓએ જણાવ્યું હતું કે, આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ. કારણે કે ઋષિમુની વખતથી આપણે ગુરુઓનું સન્માન કરવામાં આવે છે. જો કે આજના આધુનિક જમાનામાં અત્યારની પેઢી આપણી સંસ્કૃતિ ભૂલી રહી છે. જે બિલકુલ પણ યોગ્ય નથી.
ગુરુનો દરજ્જો : હિન્દુ ધર્મના માતા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. માતા પિતા બાદ જો કોઈને ભગવાનનો દરજ્જો આપવામાં હોય તે ગુરુને આપવામાં આવ્યો છે. તેથી કહેવાય છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુને ફૂલ નહીં તો ફૂલની પાંખડી શુભેચ્છા રૂપે અર્પણ કરવામાં આવે છે. કેટલાક ધર્મ સંપ્રદાયમાં લોકો તેમના વિદ્વાનને દર્શન માટે જતા હોય છે. તેમનો એક જ આશય હોય છે કે, ગુરુ આશીર્વાદ તેમના પર કાયમ માટે રહે. આ દિવસે ભગવાન કૃષ્ણ, અને ભોલેનાથનું ધ્યાન પણ કરવામાં આવે છે તેમજ આ શ્લોકનું પઠન કરવામાં આવે છે.