Vijayadashami 2023 : પાટણમાં વિજયાદશમીની ભવ્ય ઉજવણી, આધુનિક અને પ્રાચીન શસ્ત્રોનું અનોખું પૂજન - દશેરા 2023
Published : Oct 24, 2023, 6:09 PM IST
પાટણ :વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે તેમજ જિલ્લા પોલીસ હેડક્વાટર ખાતે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસર પર શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અધિકારીઓ સહિત શહેરીજનોએ વિધિવત રીતે શસ્ત્ર પૂજન કર્યું હતું.
શસ્ત્રપૂજનનું આયોજન : દશેરા એટલે વીરતા અને શૌર્યનું પર્વ, ભગવાન રામે લંકા ઉપર ચડાઈ કરી રાવણનો વધ કરી આસુરી શક્તિનો નાશ કર્યો હતો અને અસત્ય ઉપર સત્યનો વિજય થયો હતો. ત્યારથી આ દિવસને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના બગવાડા ચોક ખાતે જાહેરમાં શસ્ત્ર પ્રદર્શન અને પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત યુવતીઓએ તલવાર, ગદા, ત્રિશુલ, ફરશી અને બંદૂક સહિતના પ્રાચીન શસ્ત્રોનું પૂજન કર્યું હતું.
વિજયાદશમીની ઉજવણી : આ ઉપરાંત પાટણ પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં DySP કે. કે. પંડ્યા, SOG PI ઉનાગર અને PSI પંડ્યા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્ટેનગન, બંદૂક અને રાઇફલ સહિતના આધુનિક શસ્ત્રોનું મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે પૂજન કર્યું હતું.