'ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવાયો, સરકાર ડૂંગળીમાં નિકાસબંધી પાછી લે' - શક્તિસિંહ ગોહિલ - શક્તિસિંહે ગોહિલ
Published : Dec 15, 2023, 3:52 PM IST
|Updated : Dec 15, 2023, 4:38 PM IST
અમદાવાદ: કેન્દ્ર સરકારે 8 ડિસેમ્બરે ડૂંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને પગલે ડૂંગળીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ મામલે સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ડુંગળી પકવતા ખેડૂતો માટે પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે અને આ મુશ્કેલીનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી દીધી છે. હકીકતમાં ખેડૂતના ઘરમાં જ્યારે ખેતપેદાશ આવે ત્યારે એવી નીતિ હોવી જોઇએ તેમને ભાવ સારો મળે અને સંગ્રહખોરો ફાયદો ન લે. પરંતુ સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે. જ્યારે ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે અને એ સમયે નિકાસબંધી કરીને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો જોઈ લેવાનું કામ થયું છે. બે દિવસ પહેલા જ વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે કે સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે અથવા પોષણક્ષમ ભાવે ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓને પણ વિનંતી કરી છે કે ખેડૂત અત્યંત મુશ્કેલીમાં મુકાયો હોય ત્યારે તમારી પણ જવાબદારી છે કે ખેડૂતના ઘરમાં માલ આવે ત્યારે એને સારી કમાણી એ માટેની સરકાર નીતિ બનાવે એ માટે પ્રયત્ન થવો જોઈએ.