Viral Video: મચ્છુદ્રી નદીમાં તણાતા યુવકનો વીડિયો થયો વાયરલ, યુવાનની શોધખોળ હાથ ધરાઈ
ગીર સોમનાથ: ઉના તાલુકામાં સમી સાંજના સમયે ઉના અંજાર રોડ પર નદીના કોઝવે પરથી પસાર થતો એક યુવાન અચાનક નદીના પ્રવાહમાં તણાઈ જતો જોવા મળ્યો હતો. સ્થાનિક કોઝવે પરથી આજે સમી સાંજના સમયે એક યુવાન મચ્છુદ્રી નદીમાં તણાતો હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પુરના પાણીમાં તણાતો યુવાન કેટલો સમય કોઝવેમાં ઉભેલો જોવા મળે છે ત્યારબાદ તે કોઝવે પરથી નદીના પ્રવાહમાં ગરકાવ થતો જોવા મળે છે. અઢી મિનિટના આ વીડિયોમાં યુવાન નદીના પ્રવાહમાં તણાયા બાદ કેટલીક વખત માથું ઊંચું કરીને બહાર જોતો હોય તેવું પણ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. યુવાન નદીમાં તણાતા તાલુકા વહીવટી તંત્ર દ્વારા યુવાનને શોધવા માટેની કામગીરી હાથ ધરી છે. પરંતુ હજુ સુધી નદીના પ્રવાહમાં તણાયેલા યુવકનો કોઈ અત્તો પત્તો લાગ્યો નથી. હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ મેઘમહેર ચાલુ રહે એવી શક્યતા છે.