GETCO Exam Cancel: 'સરકારી નોકરી ઈચ્છુક યુવાનો સાથે ભાજપ સરકારની ક્રૂર મજાક' - શક્તિસિંહ ગોહિલ
Published : Dec 22, 2023, 12:05 PM IST
અમદાવાદ: રાજ્યમાં GETCO દ્વારા લેવાયેલી વિદ્યુત સહાયકની ભરતી માટેની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. રાજકોટ, ભરૂચ અને મહેસાણા સેન્ટર પરથી આ પરીક્ષા લેવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવતાં ભરતી પ્રક્રિયા રદ્દ કરવામાં આવી હતી. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે GETCO) દ્રારા લેવાયેલી પરીક્ષા પાસ કરનાર યુવાન ઉમેદવારો નોકરીની રાહ જોઇને બેઠા હતા તે વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાને રદ કરવાનો સરકારનો નિર્ણય અત્યંત આઘાતજનક છે. વારંવાર ગુજરાતના મહેનતકશ યુવાનો સાથે આ પ્રકારની ક્રૂર મજા ભારતીય જનતા પાર્ટી સરકારના શાસનમાં કેમ ? મારો સીધો સવાલ એ છે કે હવે ગુજરાત સરકારે એમ કહે છે કે આજે પરીક્ષા છે ને અમે માર્ગદર્શિકા જે આપી હતી એમાં પાલન ન થયું અને ગેરરીતિઓ માટે કોણ જવાબદાર છે ? આના માટે ગુજરાતના યુવાનો કોઈ વાંક તો છે જ નહીં એમની તો કોઈ ભૂલ નથી તો તમારી ભૂલનો ભોગ ગુજરાતના યુવાનો શા માટે બને ? માર્ગદર્શિકાનું પાલન થાય તે જોવાની જવાબદારી સરકારની છે ઉમેદવારોની નહીં. યુવાનોને ફરી પરીક્ષા આપવાનું કહેનાર ભાજપના નેતાઓને 2022ના ઈલેકશનમાં માર્ગદર્શિકાનું પાલન થયું નથી તેમ કહી ચૂંટણી ફરીથી યોજવાનું કોઇ કહે તો શું ભાજપના નેતાઓ ફરીથી ઈલેકશન સ્વીકારશે ?