Vande Bharat Train: ભોપાલથી દિલ્હી આવી રહેલી વંદે ભારત ટ્રેનમાં લાગી આગ, તમામ મુસાફરો સુરક્ષિત
ભોપાલ: વંદે ભારત ટ્રેન સાથે વધુ એક અકસ્માત થયો છે. સોમવારે ભોપાલ-દિલ્હી ટ્રેનમાં આગ લાગી હતી. જેમાં 30થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા તે કોચમાં આગ લાગી હતી. જ્યારે ટ્રેન બીના રેલવે સ્ટેશન પાસે હતી ત્યારે ટ્રેનમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે અફરા-તફરી મચી ગઈ હતી. ટ્રેનને રોકીને મુસાફરોને અધવચ્ચે જ રોકી દેવા પડ્યા હતા અને ત્યારબાદ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ભોપાલથી હઝરત નિઝામુદ્દીન જતી વંદે ભારત ટ્રેન સોમવારે સવારે 5.40 કલાકે રવાના થઈ હતી. બીના રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી, જેમાં લગભગ 36 મુસાફરો હતા. જ્યારે આગ લાગી ત્યારે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. વંદે ભારત ટ્રેનમાં કોંગ્રેસના નેતા અજય સિંહ, IAS અવિનાશ લાવાનિયા અને અન્ય ઘણા VIP પ્રવાસ કરી રહ્યા હતા. ઘટના બાદ સમગ્ર ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી. રાણી કમલાપતિ - નિઝામુદ્દીન વંદે ભારત ટ્રેન મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેન છે. તેને 4 મહિના પહેલા 1 એપ્રિલના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફ્લેગ ઓફ કર્યું હતું.