મોટી દુર્ઘટના ટળી ! સુરતના સઠવાવ ગામ ખાતે આર્મી હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ
Published : Dec 1, 2023, 9:48 PM IST
સુરત :માંડવી તાલુકાના સઠવાવ ગામે આજે બપોરે અચાનક એક હેલિકોપ્ટર આવી પહોંચ્યું હતું. બાદમાં બીજું પણ એક હેલિકોપ્ટર ગામના મેદાનમાં લેન્ડ થયા ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું હતું. હકીકતમાં ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા સુરતના સઠવાવ ગામના મેદાનમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરને જોવા કુતુહલવશ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
સઠવાવ ગામે બે હેલિકોપ્ટર ઉતર્યા : સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સઠવાવ ગામે આવેલા હેલીપેડ ઉપર શુક્રવારે બપોરે 12.00 વાગ્યાના અરસામાં સાઉથ સડન કમાન્ડ યુનિટ પુણેનું એક હેલિકોપ્ટર નાશીકથી જોધપુર જઈ રહ્યું હતું. જેમાં ઈન્ચાર્જ મેજર લખેન્દ્ર પટેલ સહિત કુલ 6 લોકો સવાર હતા. પરંતુ સઠવાવ ગામ આગળથી પસાર થતી વેળા હેલિકોપ્ટરમાં અચાનક ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સલામત રહ્યા હતા. કોઈ જાનહાનિ થઈ ન હતી.
અમારી ટીમ પણ સ્થળ પર ગઈ હતી. આવતીકાલ સુધી હેલિકોપ્ટરનું રીપેરીંગ કાર્ય ચાલે તેવું અનુમાન છે. --હેમંત પટેલ (PI, માંડવી પોલીસ મથક)
હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી : આ અંગે માંડવી પોલીસને જાણ થતાં માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવ અંગે સાઉથ સડન કમાન્ડ યુનિટમાં જાણ કરતાં ક્ષતિગ્રસ્ત બનેલ હેલિકોપ્ટર તથા તેમાં સવાર જવાનોને રેસક્યુ કરવા માટે બીજું એક હેલિકોપ્ટર આવી પહોંચ્યું હતું. અચાનક ઉતરેલા બે હેલિકોપ્ટરથી સ્થાનિક રહીશોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. ઉપરાંત હેલિકોપ્ટર જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા.