ખેડા ન્યૂઝ: ડાકોરમાં ધામધૂમથી યોજાયા તુલસી વિવાહ, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં - કન્યાદાન
Published : Nov 24, 2023, 11:27 AM IST
ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે પ્રબોધની એકાદશી(દેવ ઉઠી અગિયારસ)ના રોજ ભવ્ય તુલસી વિવાહ યોજાયા. જેમાં ભગવાન વિષ્ણુ અને માતા વૃંદા લગ્નગ્રંથિથી જોડાયા હતા. વરરાજા બનેલ ભગવાન રણછોડરાયજીને સવારે પંચામૃત સ્નાન કરાવ્યા બાદ આયુધ, અલંકારો તેમજ આભૂષણો દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રભુ શ્રી રણછોડરાયજીનોનો ભવ્ય વરઘોડો ડાકોર મંદિરેથી નીકળ્યો હતો. બેન્ડવાજા તેમજ આતશબાજી સાથે નીકળેલા ભવ્ય વરઘોડામાં મોટી સંખ્યામાં ભકતો ઠાકોરજીના જાનૈયા તરીકે જોડાયા હતા. વરઘોડો શ્રી લક્ષ્મીજીના મંદિરેથી બોડાણા મંદિર થઈ નિજ મંદિરે પહોંચ્યો હતો. જ્યાં કુંજમાં બિરાજમાન તુલસીજી સાથે ભગવાનના વિવાહ યોજાયા હતા. જેમાં મંગળગીતો અને વૈદિક મંત્રોચ્ચારો સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભાવિકો દ્વારા તુલસી એટલે કે વૃંદાનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ તુલસી વિવાહમાં હોંશે હોંશે ભાગ લીધો હતો.
પ્રબોધની એકાદશીના દિવસથી મંગલ કાર્યોનો પ્રારંભ થાયછે. ડાકોરના રાજાધિરાજ રણછોડરાયજી મંદિરે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા. આજના દિવસે તુલસીજીએ શાલિગ્રામ સાથે વિવાહ કર્યા હતા. જે વિષ્ણુ અવતાર કહેવામાં આવે છે.આજે ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાનને સવારે પંચામૃત સ્નાન બાદ આયુધ,અલંકાર તેમજ આભૂષણ ધરી ભગવાનનો શણગાર કરાયો હતો...સંજયભાઈ(પૂજારી, રણછોડ મંદિર, ડાકોર)