Cyclone Biparjoy Landfall Updates: માછીમારો માટે સારા સમાચાર, જખૌ બંદર પર વાવાઝોડુ ટકરાયા બાદ પણ બોટને કોઈ નુકશાન નહીં
કચ્છ: વાવાઝોડા બિપરજોયની અસર વચ્ચે કચ્છના માછીમારો માટે સારા સમાચાર આવ્યા છે. વાવાઝોડાએ તોફાની પવન અને ભારે વરસાદ સાથે કચ્છના જખૌ બંદર પર એન્ટ્રી કરી હતી. કચ્છ પર મહાસંકટ હતું તે હાલમાં પસાર થઈ ચૂક્યું છે અને હાલમાં તે અન્ય દિશામાં આગળ વધી રહ્યું છે તો હજી પણ તેજ પવન ફૂંકાઈ રહ્યા છે. હાલમાં જખૌ બંદર પર વાવાઝોડુ ટકરાયા બાદ પણ માછીમારોની બોટને કોઈ નુકશાન થયું નથી. જખૌ બંદર પર લાંગરેલી બધી બોટ સુરક્ષીત હાલતમાં છે. જખૌ બંદર પર માછીમારીના માત્ર કાચા મકાન પર બાંધેલા કપડા અને પતરા ઉડયા છે અને તૂટ્યા છે. ગુજરાતભરના માછીમારો અહી માછીમારી માટે આવે છે ત્યારે વાવાઝોડાની શક્યતાના પગલે બંદર પર 1800 બોટ લાંગરવામા આવી હતી પરંતુ હાલમાં કોઈ પણ જાતની નુકસાની થયેલ નથી. જોકે બીજી તરફ રાજ્યના જુદા જુદા કાંઠાળા વિસ્તારના 4600 ગ્રામ્ય વિસ્તારો લાઈટ કપાઈ હતી. દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા ભાગોમાં રોડ ક્લિયરન્સનું કામ ચાલી રહ્યું છે. 5120 વીજળીના થાંભલા ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે. જેમાંથી અત્યાર સુધી 1320 વીજળીના થાંભલાને રિસ્ટોર કરાયા છે. 2 પાકા મકાનોમાં નુકશાની થઈ છે. હાલ NDRF ની ટીમ જ્યાં જરૂર પડે ત્યાં કામગીરીમાં જોડાઈ છે.