Cyclone Biparjoy: જામનગરમાં જર્જરીત મકાનોના 3 હજાર રહીશોને મનપા ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડાયા - Cyclone Biparjoy Updates
જામનગર: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. જામનગર જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેેને પગલે જામનગર અધાઆશ્રમ પાસે આવેલા 1404 આવાસના રહીશોને મનપાની ટીમ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જામનગરમાં વર્ષોથી અંધ આશ્રમ પાસે આવેલા જર્જરીત હાલતમાં આવાસો છે. અહીં મોટી સંખ્યામાં શ્રમિકો વસવાટ કરી રહ્યા છે. જોકે રાત્રે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસના સંયુક્ત કામગીરી દરમિયાન 3,000 જેટલા લોકોનું અહીંથી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યંત જર્જરીત મકાનો ગમે ત્યારે પડે તો મોટી જાનહાની થાય તેવી શક્યતા છે. જેના હિસાબે રાત્રિના સમયે જ તમામ લોકોને અહીંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પહેલા તો સ્થાનિકોએ જવાની ના પાડી દીધી હતી. જો કે મનપા એસ્ટેટ ટીમ અને પોલીસે લોકોને સમજાવ્યા બાદ મોટા ભાગના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. આવાસના રહીશોને જુદી જુદી સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે. અહીં જમવા રહેવાની તમામ વ્યવસ્થાઓ વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી છે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ :અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.