ઇતના સન્નાટા કયું હૈ ભાઈ !!! ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ના મહામુકાબલથી શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો
Published : Nov 19, 2023, 10:06 PM IST
અમદાવાદ :ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નો ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાતે રમાઈ રહ્યો છે. વિશ્વના સૌથી મોટો સ્ટેડિયમમાં આ મેચ જોવા લાખોની સંખ્યામાં ક્રિકેટ રસિકો આવી પહોંચ્યા છે. ત્યારે સમગ્ર શહેરમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. જે લોકોને સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવાનો મોકો નથી મળ્યો તે પરિવાર સાથે ઘરે મેચ જોઈ રહ્યા છે.
અમદાવાદમાં કર્ફ્યુ જેવો માહોલ :આજે વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાઈ હતી. ત્યારે મેચને લઈ અમદાવાદ એરપોર્ટ, સરદારનગર, આરટીઓ સર્કલ કે ચાંદખેડા સહિત સ્ટેડિયમની આસપાસના કોટેશ્વર સહિતના તમામ વિસ્તારોમાં વર્લ્ડ કપનો રંગ જોવા મળ્યો હતો. શહેરના તમામ વિસ્તાર એકંદરે સુના થઈ ગયા હતા. તેમજ લોકો મેચ જોવાની મજા પોતાના ઘરમાં બેસીને માણી રહ્યા હતા. અમદાવાદી આમ તો ક્રિકેટ મેચના ઘેલા હોય છે. તેમાં પણ વર્લ્ડ કપની ફાઇનલ મેચ હોય ત્યારે પૂછવું જ શું. ફાઇનલ મેચ અગાઉ ટિકિટ માટે પડાપડી કરી પણ ટિકિટ હાથ ન લાગતાં અમદાવાદના લોકોએ મેચનો આનંદ ઘરે જ માણવાનું નક્કી કરી હતું. જોકે ઘણા ક્રિકેટ રસિયાઓએ પોતાની સોસાયટીમાં સ્ક્રીન લગાવી મેચની મજા માણી હતી.
ક્રિકેટ વર્લ્ડ કપનો જાદુ છવાયો : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે લાખો ક્રિકેટ રસિકોની ભીડ ઉમટી છે. વર્લ્ડ કપની ફાઇનલ અગાઉ જ ટિકિટનું બુકિંગ ફૂલ થતાં હાઉસ ફૂલના પાટીયા લાગી ગયા હતા. ત્યારે સ્ટેડિયમમાં જઈને મેચ જોવા ઉત્સુક ક્રિકેટ પ્રેમીઓ ટિકિટ ન મળતાં નિરાશ થયા હતા. સ્ટેડિયમની બહાર ઊભા રહી ટિકિટ મળવાની આશાએ કેટલાય લોકોએ કલાકો સુધી રાહ જોઈ હતી. પરંતુ ટિકિટ મળવાની આશા પર પાણી ફરી વળતા આખરે મેચ જોવા ગેટ ટુ ગેધરનો માર્ગ અપનાવી ઘરને જ સ્ટેડિયમ સમજી ક્રિકેટની મજા માણી હતી. આજે ફાઇનલ મેચના મુકાબલા દરમિયાન અમદાવાદમાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો.