ભાજપને સત્તા પરથી હટાવવા માટે કોઈપણ પાર્ટીનો ટેકો લેવા કોંગ્રેસ તૈયાર, ભરતસિંહ સોલંકી - Congres Parivartan Sankalp yatra
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા ગતરોજ રાધનપુર ખાતે રાત્રે આવી પહોંચી હતી. આ યાત્રા બાદ જાહેર જંગી સભા યોજાઈ હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપને સત્તા પરથી હટાવવા માટે કોઈપણ પાર્ટીનો ટેકો લેવાની તૈયારી બતાવતું નિવેદન આપ્યું હતું. વિધાનસભાની ચૂંટણીને અંતર્ગત રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર સહિત યાત્રાઓ શરૂ કરવામાં આવી છે. આ સભામાં ઠાકોર સેનાના કાર્યકરો અલ્પેશ ઠાકોરથી છેડો ફાડી ધારાસભ્ય રઘુ દેસાઈ સાથે જોડાયા હતા. જેઓને વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. મોરબી ખાતે તાજેતરમાં કેબલ બ્રિજ હોનારતને વખોડી ભરતસિંહ સોલંકી એ ભાજપ પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સંવેદનવીહીન છે. ભારતીય જનતા પાર્ટી પ્રજા વિરોધી પાર્ટી છે. જ્યારે કોંગ્રેસએ સૌની પાર્ટી છે સર્વ સમાજની પાર્ટી છે. કોંગ્રેસ દરેકને સાથે રાખીને ચાલે છે. તે માટે લોકો કોંગ્રેસને પસંદ કરે છે. પત્રકારો સાથેની વાતચીતમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રજા વિરોધી ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસ તમામ પાર્ટીઓનો સહારો લેવા પણ તૈયાર છે. આમ આદમી પાર્ટી પણ જો કોંગ્રેસને ટેકો જાહેર કરે તો તેનો સહારો પણ કોંગ્રેસ લેશે. પ્રજાને મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારથી બચાવવા માટે કોંગ્રેસ પરિવર્તન લાવવા માંગે છે. Remove BJP from power Radhanpur of Patan District Congres Parivartan Sankalp yatra
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST