Bhavnagar News: ભાવનગરમાં ધ્રુવ પંડ્યાએ વૃદ્ધોની આંગળી પકડીને મનોરંજનની દિશા કંડારી - happy in Vudrashwam
ભાવનગર: આમ તો દરેક સંગીત સાધક યુવાનની ઈચ્છા કોઈ મોટા સ્ટેજ પર કોઈ મોટા કલાકાર સાથે પર્ફોમ કરવાની હોય છે. પણ ભાવનગરમાં ધ્રુવ પંડ્યા નામનો એક એવો યુવાન જેણે વૃદ્ધોની આંગળી પકડીને મનોરંજનની દિશા કંડારી છે. એનું સપનું આગામી દિવસોમાં ગુજરાતના મોટાભાગના વૃદ્ધાશ્રમમાં સંગીતના કાર્યક્રમ કરવાનો છે. આ માટે તે પોતાના સાથી મિત્રોની ટીમ પણ તૈયાર કરે છે. જ્યારે સંગીત શીખતા શીખતા આ વિચાર આવ્યો ત્યારે આવા સેવાકીય પ્રવૃતિના વિચાર સાથે અન્ય ક્લાસમેટ પણ જોડાયા. ગીટાર વાદક વ્યક્તિ સાથે હાર્મોનિયમ વાદક, ઢોલ અને તબલા વાદક જ નહીં પણ વાંસળી વાદક પણ જોડાઈ ગયા. પછી તો વૃદ્ધાશ્રમમાં સુર એવા છેડાયા કે, ગુંજ્યું અજીબ દાસ્તા હૈ યૈ. છ થી સાત મહિના પહેલા ક્લાસમાં હું ગયો ત્યારે મેં દક્ષાબેનને વાત કરેલી. મારી જેવા અનેક યુવાનો ગાર્ડન રેસ્ટોરન્ટમાં જઈને પરફોર્મ કરતા હોય છે. ત્યારે મને વિચાર આવેલો કે વૃદ્ધાશ્રમના વૃદ્ધો એકદમ એકલા હોય છે તો એમને કેમ મોજ ના કરાવી જોઈએ અને તેમને રાજી કરવા જોઈએ. મારી ઈચ્છા રાજ્યના 100 વૃદ્ધાશ્રમની છે કે જ્યાં અમે તબક્કા વાર કાર્યક્રમ આપવાના છીએ. ભાવનગરથી શરૂઆત કરી છે. હું સનાતનમાં માનું છું માટે બધાને હનુમાન ચાલીસા પણ મેં વિતરણ કરી છે". ગુજરાતી ગીત, ચોમાસાના ગીતો અને ફિલ્મી ગીતોની પેરોડીએ વૃદ્ધોને ફરી યુવાન બનાવી દીધા હોય એવો માહોલ જોવા મળ્યો. કોઈ તાળીઓ પાળતું હતું તો કોઈના પગ બીટની સાથે થીરકતા હતા. તો કોઈ માત્ર હોઠ ફફડાવીને મનથી સાથ આપતું હતું. તો કોઈએ પોતાના સ્વર કોરસ સાથે ભેળવી દીધા. ધ્રુવ પંડ્યાની ટીમ કેટલીક મિનિટો માટે વૃધ્ધોને યુવા અવસ્થામાં લઈ ગઈ હતી. તિસ્કારથી તૂટી ગયેલા દિલમાં ધ્રુવે સંગીતનું રેણ એવી રીતે કર્યું કે, પરિવાર આ જ છે એનો અહેસાસ કરાવી દીધો. મહાન પુણ્ય તો કદાચ આને જ કહી શકાય એવુ માનીને ધ્રુવે બીજા વૃદ્ધાશ્રમમાં જઈને પણ મજા કરાવવાની ભીષ્મ પ્રતિજ્ઞા કરી લીધી.