Bharuch News : ભરૂચમાં પ્રવીણ તોગડીયાનું અતિક અહેમદની હત્યા વિશે નિવેદન, શું કહ્યું?
ભરુચ : આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયા ભરુચની મુલાકાતે આવ્યાં હતાં. ભરૂચની મુલાકાતે આવેલા AHP અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર અતિક અહેમદની હત્યા, અશદ એન્કાઉન્ટર અને આગામી લોકસભા 2024 ચૂંટણી વિશે પોતાના મંતવ્યો પ્રગટ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે અતિક અહમદની હત્યામાં ઉત્તરપ્રદેશ સરકાર જ તપાસ કરીને કહેશે કે શું થયું હતું.
ઉત્તરપ્રદેશ સરકાર કહેશે :ભરૂચની મુલાકાતે અને કાર્યકરોને મળવા આજે સોમવારે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આવી પહોંચ્યા હતાં. પ્રવીણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના કાર્યકરો સાથે વિવિધ સ્થળોએ મુલાકાત કરી બેઠક યોજી હતી. જે બાદ મીડિયા સમક્ષ નિવેદન આપતાં તેમણે કહ્યું હતું કે, ગેંગસ્ટર અતિક અહેમદની હત્યા અંગે ઉત્તરપ્રદેશ સરકાર જ તપાસ કરીને કહેશે કે શું થયું. પણ એટલું કહીશ કે હવે કોઈ ગામ કે શહેરની ગલીમાં હિંદુ અસલામત નહીં હોય. ક્યાંય પણ ગામ કે ગલીમાં ઔરંગઝેબ પેદા થવા દઈએ નહીં. દેશમાં હવે ઔરંગઝેબનું કોઈ સ્થાન નહીં હોય.
દેશમાં હનુમાન ચાલીસા પાઠ :આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ભરુચમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા દર શનિવારે દેશમાં હનુમાન ચાલીસા, ગરીબોને અનાજ વિતરણ, આરોગ્ય તપાસ અને મહિલાઓને તાલીમ જેવા કાર્યક્રમ શરુ કરવામાં આવ્યાં છે. એએચપી દેશમાં દરેક શહેર અને ગામમાં દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા છે. જેમાં ગરીબોને અનાજ, આરોગ્ય સારવાર, મહિલાઓને સ્વરક્ષણની તાલીમ અને બાળકોની બુદ્ધિમત્તા વિકસાવવાની કામગીરી થઈ રહી છે. લોકસભા 2024 ચૂંટણીમાં હિન્દૂ જ જીતશે અને હિન્દૂ હિત કી બાત કરેગા વહી રાજ કરેગા. બાકી બધા ઘરે બેસશે.
અતીક અહેમદ હત્યા કેસ : ઉત્તરપ્રદેશમાં માફિયા અતિક અહેમદ અને અશરફની ગોળી મારીને શનિવારે રાતે હત્યા કરવામાં આવી હતી. અતિક અહેમદ પર 100થી વધુ ગુના દાખલ થયેલા હતાં. તેને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. અતિક અહેમદને સાબરમતી જેલમાંથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની કોર્ટમાં ઉમેશ પાલ હત્યા કેસ સંદર્ભે લઇ જવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં એ પણ બહાર આવ્યું હતું કે અતિક અહેમદ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા હથિયારો મેળવતો હતો. પ્રયાગરાજ ઉપરાંત, અતીક અને તેનો ભાઇ અશરફ પાકિસ્તાનથી આવતા હથિયારો અને કારતૂસને યુપીના ઘણા જિલ્લામાં બનાવેલા તેમના ઠેકાણાઓ પર રાખતાં હતાં. અતિક ગેંગના લોકો પાકિસ્તાનથી લાવેલા હથિયારોને ડ્રોન દ્વારા પંજાબમાં ફેંકતા હતા. અહીંથી પછી તેઓને અતિક પાસે લઈ જવામાં આવ્યા હતા. આ કારણોસર પોલીસે કોર્ટમાં કસ્ટોડીયલ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે અતિક અહેમદ અને અશરફના ચાર દિવસના કસ્ટડી રિમાન્ડ પણ પોલીસને આપ્યા હતા, પરંતુ શનિવારે રાત્રે ત્રણ યુવકો દ્વારા માફિયા અતિક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.